કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ડોકટરો અને હેલ્થ કેર કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વીપમેન્ટ (PPE)ની આસપાસના સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો સરકાર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે તેવો દાવો કરી ડૉક્ટર યુગલે યુ.કે. સરકાર વિરુદ્ધ ન્યાયિક સમીક્ષાની કાર્યવાહી શરૂ કરી છે.
ડૉ. નિશાંત જોશી અને તેમની સગર્ભા પત્ની ડો. મિનલ વિઝે એપ્રિલમાં યુકેના હેલ્થ એન્ડ સોશ્યલ કેર અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ ડિપાર્ટમેન્ટનો જવાબ માંગવા માટે પ્રિ-એક્શન લેટર મોકલીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે કોઇ જ પ્રતિભાવ ન મળતા હવે રાહ જોવા માટે તૈયાર નથી એમ જણાવી બુધવારે લંડનની હાઇકોર્ટમાં કેસ આગળ ધપાવવાનું નક્કી કર્યું છે.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે આમ કરવા માંગતા નથી કે આવુ કરવાનું વિચાર્યું પણ નથી. અમે પેન્ડેમીક ડોકટરો છીએ. અમે જીવન બચાવવા અને આ દેશને ટાંકા મારીને પાછો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. પરંતુ અમે ઉભા કરેલા મુદ્દાઓને ધ્યાનમાં લેવાના સરકારના ઇનકારથી અમને આ પગલુ ભરવાની ફરજ પડી છે.”
તેમની લો ફર્મ બિન્ડમન્સે જણાવ્યું હતું કે ‘’તેમનો ન્યાયિક સમીક્ષાનો પડકાર પી.પી.ઇ. વિશે સરકારના માર્ગદર્શન અને WHO દ્વારા નિર્ધારિત માર્ગદર્શન વચ્ચેની ગેરસમજને હાઇલાઇટ કરે છે. ડોકટરોનો દાવો છે કે હેલ્થ કેર અને સોશ્યલ કેર કાર્યકરોને વિવિધ પ્રકારના પી.પી.ઇ. અને અપૂરતા પી.પી.ઇ. ઉપલબ્ધ ન હોય ત્યારે કામ કરવા માટે ના પાડવાના તેમના કાનૂની અધિકારો અંગે સરકારનું માર્ગદર્શન યોગ્ય રીતે નિષ્ફળ ગયુ હતું.’’
“ફ્રન્ટલાઈન ડોકટરો તરીકે, ડૉ. વિઝ અને ડૉ. જોશી, સરકાર દ્વારા જેનો સામનો કરવામાં આવે છે તે ઓપરેશનલ પ્રેશરને વધુ સારી રીતે સમજે છે. પરંતુ તેઓ, અન્ય તમામ હેલ્થ એન્ડ સોશ્યલ કેર કામદારો સાથે, પી.પી.ઇ. ના ઉપયોગ અંગેના કાયદેસર અને પારદર્શક માર્ગદર્શન માટેના હકદાર છે. અમે આજે બુધવારે તા. 10ના રોજ ન્યાયિક સમીક્ષા દાખલ કરી છે.’’ એમ બિન્ડમેન એલએલપીના પાર્ટનર જેમી પોટરે જણાવ્યું હતું.
દંપતીએ પ્રકાશ પાડ્યો હતો કે કોવિડ-19થી અપ્રમાણસર સંખ્યામાં BAME લોકો પીડાય છે અને હેલ્થ એન્ડ સોશ્યલ કેર વર્કર્સ પરની અસરને ધ્યાનમાં લેવામાં સરકાર નિષ્ફળ ગઇ છે.
આ કાનૂની કેસ માટે દંપતીના ઓનલાઇન ક્રાઉડ ફંડ અપીલમાં £61,000થી વધુ એકત્ર થઇ ચૂક્યા છે. આઠ મહિનાની ગર્ભ ધરાવતા ડો. વિઝ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે અને ગયા મહિને તેમણે સાથીઓ સાથે કોવિડ-19ના કારણે મોતને ભેટેલા 237 હેલ્થ પ્રોફેશનલ્સને અંજલિ આપવા એક સેકન્ડ લેખે 237 સેકન્ડનું મૌન પાળ્યું હતું.
આરોગ્ય વિભાગે કહ્યું હતું કે તે “ચાલી રહેલી કાનૂની કાર્યવાહી” પર ટિપ્પણી કરી શકે નહીં. પરંતુ ભૂતકાળમાં તેમણે ભાર મૂક્યો હતો કે સલામતીના પરિબળોને તેના માર્ગદર્શન સાથે ધ્યાનમાં લેવામાં આવ્યા છે.