માન્ટેસ્ટરના રોયટોનમાં બ્રોડવે પર 40 માઇલ પ્રતિ કલાકની મર્યાદાના રોડ પર 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચલાવી ડેવિડ આયર નામના 70 વર્ષના વૃધ્ધનું મોત નિપજાવનાર બોલ્ટનના ડેન્ટીસ્ટ નાવીદ પટેલનો જેલ જવામાંથી બચાવ થયો હતો.
માન્ચેસ્ટર મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં કરાયેલી સુનાવણીમાં જણાવાયું હતું કે ફેબ્રુઆરી 2019માં મરનાર ડેવિડ આયર મઝદા સલૂન કાર લઇને હિલબ્રે એવન્યુથી બહાર આવતા હતા ત્યારે તેમની કારને નાવિદની રેન્જ રોવર કારની જોરદાર ટક્કર લાગી હતી. 76 વર્ષીય આયરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ મગજમાં રક્તસ્ત્રાવ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
પટેલે આ વર્ષની શરૂઆતમાં ચાલેલા ટ્રાયલમાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને મૃત્યુ નિપજાવ્યું હોવાનું નકાર્યું હતું. તેમની ડીફેન્સ ટીમે આરોપ લગાવ્યો હતો કે શ્રી આયરેને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી જેના કારણે તેમને મગજમાં ઈજા થવાની શક્યતા વધારે હતી. પરંતુ જ્યુરીએ નાવિદને દોષિત ઠેરવી સજા માટે કોર્ટમાં પાછો મોકલ્યો હતો.
ડીફેન્સ કાઉન્સિલ બેન્જામિન માયરેસ ક્યુસીએ કહ્યું હતું કે ‘’આ કરૂણ ઘટનાને કારણે તેમણે અને તેના પરિવારને પણ ભોગવવું પડ્યું હતું. નાવિદ આ અકસ્માત પછી પણ કાર ચલાવે છે પણ તે વધુ ઝડપે કાર ચલાવવા બદલ દોષીત જાહેર થયો નથી.’’ આ ટ્રાયલના નિષ્ણાતોએ કહ્યું હતું કે મિસ્ટર આયરે બ્રોડવે પર કાર લઇને બહાર આવ્યા અને એક અનપેક્ષિત મનુવર કર્યું હતું.
સજા આપતાં જજ ટીના લેંડેલે કહ્યું હતું કે ‘’પટેલે તે દિવસની ઘટનાઓમાં તેમની ભૂમિકાની જવાબદારી સ્વીકારી નથી. તમે બેદરકારીથી વાહન ચલાવીને ડેવિડ આયરનું મૃત્યુ નિપજાવ્યું હતું. તમે તમારી રેન્જ રોવરને અતિશય ઝડપે ચલાવી રહ્યા હતા. પરંતુ હું સ્વીકારતી નથી કે તમે જે ગુના માટે દોષિત ઠર્યા છો તેના માટે તમને ખરેખર પસ્તાવો છે.’’
જજે બે મહિનાના સમયગાળા માટે 15 મહિનાની સજા સ્થગિત કરી નાવિદને 280 કલાક અવેતન કામ કરવાનો આદેશ આપી ત્રણ વર્ષ માટે વાહન ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.