એએનએચએસ ડેન્ટીસ્ટ ડૉ. મીનેશ તલાટીએ કોવિડ-19ને કારણે તેમના પિતા નવીન તલાટીનુ 80 વર્ષની વયે 28 દિવસની સારવાર બાદ 18 એપ્રિલના રોજ રોયલ લંડન હોસ્પિટલમાં થયેલા મૃત્યુ અંગે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઇમ્પલાન્ટ સર્જન ડૉ. મીનેશ તલાટીએ દાવો કર્યો હતો કે તેણે “ભૂલભરેલી” પીએચઇ સલાહનુ પાલન કરતા અજાણતાં તેના માતાપિતા અને ગર્ભવતી પત્ની જોઆનાને ચેપ લગાવ્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં પોતાને કોવિડ-19 વાઇરસનો ચેપ હોવાથી અજાણ ડૉ. તલાટી માર્ચના પહેલા અઠવાડિયામાં ગુડમૈઝ, એસેક્સમાં રહેતા તેમના માતાપિતાની મુલાકાત લેતા હતા. તેમને ફક્ત બે દિવસ પછી જ લક્ષણો જણાયા હતા અને ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
તલાટીએ આક્ષેપ કર્યો હતો કે તે સમયે પી.એચ.ઈ. સલાહને અનુસર્યા હતા જે ગારમાર્ગે દોરતી હતી. સરકારના વૈજ્ઞાનિક સલાહકારો દેશમાં કોરોનાવાયરસ ટ્રાન્સમિશન વિશે જાગૃત હોવા છતાં પણ પીએચઇ વેબસાઇટ સાવચેતી રાખવામાં નિષ્ફળ ગઈ હતી. જો ટ્રાન્સમિશન અંગે ચેતવણી આપવામાં આવી હોત, તો તેમણે માતાપિતાની મુલાકાત લીધી ન હોત. ડો. તલાટીએ કરેલ કાનૂની કાર્યવાહી યુકેમાં આ પ્રકારનો પ્રથમ અહેવાલ છે. ડૉ. તલાટી, 2017ની ચૂંટણીમાં બાર્કિંગના ટોરી ઉમેદવાર હતા અને કોઈ નાણાકીય હેતુથી આ દાવો કર્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે ‘’મને ન્યાય જોઈએ છે. સંકેતોની અવગણના માટે કોઈએ જવાબદારી લેવી પડશે. તે માત્ર મારા પિતા જ નહિ મારા શ્રેષ્ઠ મિત્ર હતા. મેં મારો કામનો સાથી ગુમાવ્યો છે. હું જો કદી કોઇની સાથે ડ્રિન્કસ લેવા જતો હતો તો તે મારા પિતા હતા. સમયસર કાર્યવાહીથી અનેક મોતને અટકાવી શકાયા હોત. કોરોનાવાઈરસ એક આપત્તિ છે જેના માટે આપણે તૈયાર થવું જોઈએ.””
સ્વ. નવીન તલાટી 1969માં ભારતથી યુકે આવ્યા હતા અને 45 વર્ષ સુધી એનએચએસમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું હતું. કહેવાય છે કે તેમણે ડૉ. તલાટીને 2009માં ડેન્ટલ પ્રેક્ટિસ બનાવવામાં મદદ કરી હતી.
ડો. તલાટીએ સરકાર પર “રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા”નો આક્ષેપ કરી “નાગરિકોને રોગ ફાટી નીકળવાની સાચી હદ વિશે જાણ કરવામાં આવી ન હોવાનું જણાવ્યુ હતું.
તેમણે હેનકોક પર આક્ષેપ કર્યો હતો કે ‘’હું હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરીને અદાલતમાં હિસાબ આપવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગું છું. મેટ હેનકોક અને કાર્યકારી એજન્સી પીએચઇ હ્યુમન રાઇટ્સ એક્ટના કલમ 2 હેઠળ તેમની ફરજોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.”
તેમણે કહ્યું હતું કે “કોરોનાવાયરસના પ્રસારને પ્રતિબંધિત કરવામાં સરકારની નિષ્ફળતાને કારણે તેમણે ગુમાવ્યું છે. હું માનું છું કે સાથે મળીને આપણે સરકારને હિસાબ આપી શકીશું”.