સ્કોટલેન્ડના 39 વર્ષીય મનેશ ગીલ નામના પરિણીત ડૉક્ટરને ડેટિંગ એપ પર પહેલીવાર મળેલી મહિલા પર બળાત્કાર કરવા બદલ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
એડિનબરા હાઈકોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે 39 વર્ષીય મનેશ ગીલે ડેટીંગ એપ ટિન્ડર પર “માઈક” તરીકે ઓળખ આપી મહિલાને સ્ટર્લિંગની એક હોટલમાં મળવાની વ્યવસ્થા કરી હતી. ડિસેમ્બર 2018માં પબ્લિક ટોયલેટ ખરાબ હોવાનું કહીને તે મહિલાને રૂમમાં લઈ ગયો. જ્યાં તેમણે એક ડ્રિંક પીધું હતું અને તે મહિલા બેભાન થઈ ગઇ હતી. તે પોતાની સંમતિ આપવા અસમર્થ હતી ત્યારે હુમલો થયો હતો. જ્યારે ત્રણ બાળકોના પિતા ગિલે દાવો કર્યો હતો કે સેક્સ સહમતિથી થયું હતું.
જ્યુરીએ તેને સેક્સ અપરાધ કરવા માટે દોષિત ઠેરવ્યો હતો અને તેનું નામ સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં ઉમેરવામાં આવ્યું હતું.
ડો. ગિલ એડિનબરામાં જનરલ પ્રેક્ટિશનર છે અને તેમના પર મૂકાયેલા વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. ગિલે “પોતાને એક આદરણીય ચિકિત્સક તરીકે રજૂ કર્યા હતા પરંતુ સત્ય ઘણું અલગ હતું.
પબ્લિક પ્રોટેક્શન યુનિટના ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર ફોર્બ્સ વિલ્સને કહ્યું હતું કે “ગીલની સજા સ્પષ્ટ સંદેશો મોકલે છે કે જાતીય અપરાધો માટે જે કોઇ દોષિત હશે તેને કોર્ટમાં લવાશે. પીડિત મહિલાએ ફરિયાદ કરવા આગળ આવી જબરદસ્ત બહાદુરી બતાવી છે અને હું અમારી તપાસ દરમિયાન તેણીની સહાય માટે આભાર માનું છું.”
ટ્રાયલ દરમિયાન સ્ટુડન્ટ નર્સ મહિલાએ જણાવ્યું હતું કે જાતીય હુમલો થતાં જાણે કે મારૂ શરીર “બંધ” થઇ ગયું હતું.