સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ કરતા ભારતીય મૂળના 72 વર્ષીય ડૉક્ટર ક્રિષ્ના સિંઘ પર ચુંબન અને છેડછાડ કરવાના, અયોગ્ય ટેસ્ટ આપવાના અને અસ્પષ્ટ ટિપ્પણી કરવાના 54 આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય નવ આરોપો સાબિત થયા નથી. જજે આવતા મહિના સુધી સજાને ટાળી સિંઘને પાસપોર્ટ સરેન્ડર કરવાની શરતે જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપી છે. ડૉ. સિંઘે આરોપોને ગ્લાસગોમાં હાઈકોર્ટમાં ટ્રાયલ દરમિયાન નકારી કાઢ્યા હતા.
જીપી ક્રિષ્ના સિંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’દર્દીઓ ખોટા હતા અને કેટલાક ટેસ્ટ કરવાનું તેને ભારતમાં તબીબી તાલીમ દરમિયાન શીખવવામાં આવ્યું હતું. આ આરોપો ફેબ્રુઆરી 1983 અને મે 2018ની વચ્ચે મુખ્યત્વે નોર્થ લેનાર્કશાયરમાં તેમની તબીબી પ્રેક્ટિસ, હોસ્પિટલમાં એ એન્ડ ઇ વિભાગમાં, પોલીસ સ્ટેશન તેમજ દર્દીઓના ઘરની મુલાકાત દરમિયાન થયેલા બનાવોને આવરી લે છે.
પ્રોસીક્યુટર એન્જેલા ગ્રેએ કોર્ટને જણાવ્યું હતું કે, “ક્રાઉન કેસ એ છે કે ડૉ. સિંઘ મહિલાઓ વિરુદ્ધ નિયમીત રોજીંદા ધોરણે અપરાધ કરતા હતા. જાતીય અપરાધ એ તેના કાર્યકારી જીવનનો એક ભાગ હતો.”
સિંઘને સમુદાયના આદરણીય સભ્ય તરીકે જોવામાં આવે છે અને તબીબી સેવાઓમાં તેમના યોગદાન માટે તેમને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) સન્માન પણ એનાયત કરાયું હતું.
2018માં એક મહિલાએ તેની જાણ કર્યા પછી તેના વર્તનની તપાસ શરૂ કરવામાં આવી હતી.