અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિર અંગે ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકરે એક વીડિયો સંદેશ જારી કરી આ મંદિરની વિભાવનાથી લઇને ભવ્ય સર્જન સુધીની સફર વર્ણવીને તેનું મહત્ત્વ દર્શાવ્યું હતું. આ વીડિયોમાં મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર વ્યક્તિઓનું હૃદયસ્પર્શી વર્ણન કરાયું હતું.
વિદેશ પ્રધાન જણાવ્યું હતું કે આ મંદિર માત્ર સમૃદ્ધ અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું પ્રતીક નથી, પરંતુ તે હજારો વર્ષની સંસ્કૃતિ, સર્જનાત્મકતા, શાણપણ અને વિશ્વાસનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ મંદિર ભારતના ભવ્ય ભૂતકાળનું પ્રમાણપત્ર છે અને તે સરહદોની પાર પણ વિસ્તરેલી સંસ્કૃતિઓનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ મંદિર માત્ર ઇતિહાસની આંતરદૃષ્ટિ રજૂ કરતું નથી, પરંતુ તે આજે આકાર લઈ રહેલા વૈશ્વિક પુનઃસંતુલનનું પણ પ્રતીક છે. વિશ્વના દેશો વધુ સન્માનપૂર્વક અને ન્યાયી રીતે એકબીજા સાથે વ્યવહાર કરે છે, તેમ આ મંદિર પણ હાંસલ કરી શકાય તેવી સંવાદિતતાનું ઉદાહરણ છે.
ડો. જયશંકરે મંદિર સાથે જોડાયેલી પોતાની ભાવનાને ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે ભારત સાથે ભાગીદારી કરવામાં અબુ ધાબીએ દર્શાવેલો આદર અને સમજણ સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીની તાકાતનો પુરાવો છે. આ મંદિર તેમના માટે પણ એક અંગત સિદ્ધિ છે. આ મંદિર તેમના જીવનની સૌથી વધુ સ્પર્શતી ક્ષણો પૈકીની એક છે જેને તેઓ ભાવિ પેઢી સાથે શેર કરવાની કલ્પના કરે છે.

LEAVE A REPLY