યુકેના પ્રથમ રસી લેનારા લોકો પૈકીના એક ડો. હરિ શુક્લા, CBE અને તેમના પત્ની રંજનબેન (ઉ.વ. 83)ને પણ આજે સવારે ન્યુ કાસલ ખાતે આવેલી રોયલ વિક્ટોરિયા ઇન્ફર્મરી ખાતે ફાઇઝર / બાયોએનટેક રસીનાં પ્રથમ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ડો. શુક્લાએ કોરોનાવાયરસ રસી લીધા બાદ જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે તે મારું કર્તવ્ય છે’.
ન્યુ કાસલના 87 વર્ષીય નિવૃત્ત રેસ રીલેશન્સના નિષ્ણાત અને તબીબી ઇતિહાસ બનાવવામાં મદદ કરનાર ડો. હરિ શુક્લાએ કહ્યું, “મને ખૂબ આનંદ થાય છે કે આપણે આ રોગચાળાના અંત તરફ આશાપૂર્વક આવી રહ્યા છીએ અને રસી મેળવીને મારૂ યોગદાન આપતા ખુશી થાય છે. મને લાગે છે કે આવું કરવું અને મદદ કરી શકે તેવું કંઈ પણ કરવુ તે મારું કર્તવ્ય છે. એનએચએસ સ્ટાફ સાથે સંપર્કમાં રહીને હું જાણું છું કે તેઓ બધાં કેટલું સખત કામ કરે છે અને હું રોગચાળા દરમિયાન અમને સુરક્ષિત રાખવા માટે કરેલા દરેક કામ માટે તેમનો આભારી છું.”
ડો. હરી શુક્લાનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને તેમણે એક્સેટર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. બાદમાં તેઓ લિન્કનશાયરના સ્કંટહોર્પમાં પ્રથમ, રેસ રીલેશન્સમાં કામ કરવા માટે બ્રિટન પાછા ફર્યા હતા. તેઓ 1974માં ન્યુ કાસલના ટાઇન એન્ડ વેર રેશીયલ ઇક્વાલિટી કાઉન્સિલના ડિરેક્ટર બન્યા હતા. તેમની સેવાઓ બદલ તેમને MBE, OBE અને CBE બહુમાન એનાયત કરાયું છે. 2018માં તેમણે ન્યુ કાસલમાં વંશીય જૂથો વચ્ચેના સારા સંબંધોને પ્રોત્સાહિત કરવા વિશે આર્ટ ઑફ ગિવિંગ નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. કેન્યાના નાઇરોબીમાં શિક્ષક તરીકે સેવા આપી ચૂકેલા ડૉ. શુક્લાનું શહેરમાં “સ્થાનિક હીરો” તરીકે તકતી મૂકી સન્માન કરવામાં આવ્યું છે.
અમારા લેસ્ટરના પ્રતિનિધિ વડિલ શ્રી પ્રવિણભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે ડો. હરી શુક્લાના પત્ની રંજનબેન દવે તેમના પિતરાઇ બહેન થાય છે. તેઓ અને રંજનબેન નાના હતા ત્યારે તેમના પરિવાર સાથે ટાંગા, ટાન્ઝાનિયા ખાતે એક જ ઘરમાં રહેતા હતા. રંજનબેનના પિતા શ્રી છોટાલાલ દવે ત્યારે સી. આઇ દવેને નામે વિખ્યાત હતા. ડો. હરિપ્રસાદ શુક્લાએ નાઇરોબીમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. દવે સાહેબ ભારતના સુરેન્દ્રનગર જીલ્લાના સીતાપુર ગામના વતની હતા.‘’
ડો. હરિ શુક્લા ન્યુ કાસલમાં ભારતીયોની ખૂબ જ ઓછી વસ્તી હોવા છતાં ભારતથી ભણવા માટે ન્યુ કાસલ આવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ થતા હતા. વિદ્યાર્થીઓને પોતાના ઘરે જમાડવાથી લઇને તેઓ યુનિવિર્સીયટીમાં સેટ થાય ત્યાં સુધી ડો. શુક્લા અને રંજનબેન બધી જ કાળજી લેતા હતા.
થોડાઘણાં ગુજરાતી અને હિન્દુ પરિવારોને સનાતન ધર્મનો લાભ મળે તે આશયે ડો. શુક્લાએ સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીને પ્રાર્થના કરતા તેઓ ન્યુ કાસલ ગયા હતા અને શુક્લાજીના ઘરે રહીને સ્થાનિક હિન્દઓને કથા – સત્સંગનો લાભ આપ્યો હતો.