કોવિડ-19થી થતા મૃત્યુ પાછળ નબળો આહાર જવાબદાર: ડૉ. અસીમ મલ્હોત્રા

0
2713

કોવિડ-19થી થતા મૃત્યુ પાછળ નબળો આહાર મુખ્યત્વે જવાબદાર છે અને ભારતીયોએ જીવલેણ રોગ સામે ટક્કર લેવા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પર તાત્કાલિક કાપ મૂકવો જોઇએ એમ યુકેના ભારતીય મૂળના અગ્રણી હૃદયરોગ નિષ્ણાંત ડૉ. અસીમ મલ્હોત્રાએ ચેતવણી આપી છે.

નેશનલ હેલ્થ સર્વિસના ફ્રન્ટલાઈન મેડિક્સ ડૉ. અસીમ મલ્હોત્રાએ જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસથી થતા મૃત્યુ પાછળ મેદસ્વીપણુ અને વધારે વજન પણ મુખ્ય પરિબળ છે. ભારતમાં ખાસ કરીને જીવનશૈલીને લગતા રોગોનું પ્રમાણ ખૂબ વધારે છે. કોરોનાવાયરસ સામેની લડતમાં મુખ્ય શસ્ત્ર જીવનશૈલીમાં પરિવર્તનની જાગૃતિ લાવવાનુ છે. ભારતીયોમાં ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ જેવી પરિસ્થિતિઓ કોવિડ-19થી થતાં મૃત્યુ માટે જોખમ પરિબળ સાબિત થયા છે. શરીરની વધુ પડતી ચરબી પણ જવાબદાર છે. યુ.એસ. અને યુ.કે. જેવા પશ્ચિમી દેશોમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળ્યો છે તે પાછળનુ કરાણ અનિચ્છનીય જીવનશૈલીની સંભાવના છે. આ બે દેશોમાં જ 60 ટકાથી વધુ પુખ્ત વયના લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે.”

‘નેચર’ વિજ્ઞાન જર્નલના તાજેતરના અહેવાલ મુજબ ટાઇપ 2 ડાયાબિટીઝ અને મેટાબોલિક સિન્ડ્રોમવાળા દર્દીઓને કોવિડ-19થી મૃત્યુ થવાનુ જોખમ 10 ગણુ વધારે હોઇ શકે છે.

ડૉ. અસીમ મલ્હોત્રાએ જણાવ્યુ હતુ કે ‘’યુકેમાં આ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક 50 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે તેથી હું ભારતીયોને સલાહ આપીશ કે આ ખોરાકને તેમના આહારમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવો. આ ઉપરાંત ભારતીય આહારમાં ભારતીયો કાર્બોહાઇડ્રેટ ખોરાકનો વપરાશ ખૂબ વધારે કરે છે જેમ કે લોટ અને સફેદ ચોખા. જે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન વધારે છે અને તેનાથી ટાઇપ 2 ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગ થઇ શકે છે. તેને સ્થાને  શાકભાજી લેવા જોઇએ. સંપૂર્ણ ચરબીયુક્ત ડેરી ઉત્પાદનો, ઇંડા, માછલી વગેરે ખાવું સંપૂર્ણપણે યોગ્ય છે. દક્ષિણ એશિયાના લોકોમાં મેટાબોલિક સિન્ડ્રોમનો વ્યાપ અન્ય વસ્તી કરતા ત્રણથી ચાર ગણો વધારે છે. તેથી ભારતીયોએ આહાર માટે વધુ કાળજી લેવી જોઈએ.’’