અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ઇન્ડિયન અમેરિકન ડો. વિવેક મૂર્તિને નોમિનેટ કર્યા છે. બુધવારે વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 45 વર્ષના ડો. મૂર્તિ યુએસ સર્જન જનરલ તરીકેની ફરજો ચાલુ રાખીને આ નવા હોદ્દા પર કામ કરશે. અમેરિકાની સેનેટે દેશના 21મા સર્જન જનરલ તરીકે માર્ચ 2021માં તેમના નામને બહાલી આપી હતી. તેમણે અગાઉ પ્રેસિડન્ટ બરાક ઓબામા હેઠળ અમેરિકાના 19મા સર્જન જનરલ તરીકે કામ કર્યું હતું. દેશના ડોક્ટર તરીકે સર્જન જનરલનું મિશન તંદુરસ્ત દેશનો પાયો નાંખવામાં મદદ કરવાનું છે. તેઓ જાહેર જનતાને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક માહિતીને આધારે સ્પષ્ટ, સાતત્યપૂર્ણ અને સમાન ગાઇડન્સ અને સંશાધનો પૂરા પાડે છે.
અમેરિકાના વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે 21માં સર્જન જનરલ તરીકે ડો. મૂર્તિ સંખ્યાબંધ મહત્ત્વના જાહેર આરોગ્ય મુદ્દાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે અને વિવિધ સરકારો સાથે કામ કરી રહ્યાં છે.
આવા જાહેર આરોગ્યના મુદ્દામાં આરોગ્ય અંગેની ગેરસમજના વધતા ફેલાવા, હાલની યુવા માનસિક આરોગ્ય કટોકટી, હેલ્થ વર્કર કમ્યુનિટીની સુખાકારી, સામાજિક એકલતા વગેરેનો સમાવેશ થાય છે. યુએસ પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્ડ કોર્પના વાઇસ એડમિરલ તરીકે ડો. મૂર્તિ સૌથી વંચિત વસતિને સર્વિસ પૂરી પાડવા માટે આશરે 6,000 પબ્લિક હેલ્થ ઓફિસરની દેખરેખ રાખે છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારતીય મૂળના અમેરિકાના પ્રથમ સર્જન જનરલ ડો. મૂર્તિ માયામીમાં ઉછર્યા છે અને હાર્વર્ડ, યાલે સ્કૂલ ઓફ મેડિસિન અને યાલે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે. ખ્યાતનામ ફિઝિશિયન, રિસર્ચ સાયન્ટિસ, આંત્રેપ્રિન્ચોર અને લેખર ડો. મૂર્તિ તેમની પત્ની ડો. એલિસ ચેન અને બે બાળકો સાથે વોશિંગ્ટન, ડીસીમાં રહે છે.