વડા પ્રધાનના નિવાસસ્થાન અને કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તા. 15ના રોજ યોજાયેલા ઈદ રિસેપ્શનમાં ડેપ્યુટી ફોરેન સેક્રેટરી અને સ્ટેટ મિનીસ્ટર એન્ડ્રુ મિશેલ, એમપીએ દેશના વિકાસમાં મુસ્લિમ સમુદાયના યોગદાનની સરાહના કરીને ઇદ રીસેપ્શનમાં હાજર રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઇદ રીસેપ્શનનું આયોજન કર્યું હતું પરંતુ તેઓ હાઉસ ઓફ કોમન્સમાં ઈરાન પર નિવેદન આપી રહ્યા હોવાથી રીસેપ્શનમાં હાજરી આપી શક્યા ન હતા.
ડેપ્યુટી ફોરેન સેક્રેટરી અને સ્ટેટ મિનીસ્ટર એન્ડ્રુ મિશેલ, એમપીએ પોતાના પ્રવચનમાં ઇસ્લામ ધર્મની શાંતિ અને ભાઇચારા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ‘’યુકે સરકાર ગાઝામાં થઇ રહેલી હિંસાનો વિરોધ કરી રહી છે અને ગાઝામાં શાંતિની સ્થાપના સહિત હોસ્ટેજને મુક્ત કરાવવા માટે પોતાના તમામ પ્રયત્નો કરી રહી છે. આ સાથે સરકાર યુકેમાં વસતા તમામ લઘુમતી સમુદાયના લોકોના રક્ષણ માટે કટિબ્ધ્ધ છે. આ કાર્યક્રમના આયોજન માટે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ પાકિસ્તાન, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ બાંગ્લાદેશ, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ નાઇજીરીયા, વિવિધ ચેરીટી ઓર્ગેનાઇઝેશન્સ અને અન્ય કન્ઝર્વેટિવ સંગઠનોનું સમર્થન મળ્યું છે. હું અહિં ઉપસ્થિત રહેનાર સૌનો આભાર વ્યક્ત કરૂ છું.’’
આ પ્રસંગે ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર શ્રી સુજીત ઘોષ, બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશ્નર મોહમ્મદ હજરત અલી ખાન, ભારતીય મૂળના હેન્ડનના પાર્લામેન્ટરી કેન્ડીડેટ અમિત જોગિયા સહિત કેટલાક ટોરી કેન્ડીડેટ, વિવિધ સશસ્ત્ર દળોના અધિકારીઓ, ઈમામો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં પરંતુ કોઈ એમપી જોવા મળ્યા ન હતા.
કોન્ઝર્વેટિવ એમપી અને પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ હાજર રહી શકે છે તેવી સમારોહમાં જાહેરાત કરાઇ હતી પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. બ્રિટનની પ્રથમ મહિલા મુસ્લિમ કેબિનેટ મિનીસ્ટર અને કન્ઝર્વેટિવ પીઅર બેરોનેસ સઇદા વારસીએ આ રીસેપ્શનનો વિરોધ કરી પોતે હાજર નહિં રહે તેવી જાહેરાત કરી હતી.
ઈઝરાયેલને યુકે સરકારના કહેવાતા સમર્થનના વિરોધમાં બહિષ્કાર વચ્ચે અગ્રણી મહેમાનો, અગ્રણી રાજકારણીઓ, બિઝનેસીસ અને ચેરિટીના નેતાઓ આ રીસેપ્શનથી દૂર રહ્યા હતા. તો કોન્ઝર્વેટિવ પક્ષના અગ્રણી મુસ્લિમ નેતાઓએ પણ રીસેપ્શનમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.
આ પહેલા ફોરેન સેક્રેટરી ડેવિડ કેમરને જાહેરમાં અગ્રણીઓ અને લોકોને આ કાર્યક્રમમાં જવા માટે વિનંતી કરી હતી. ઉપસ્થિત કેટલાક લોકોએ પેલેસ્ટિનિયન ધ્વજ સાથેના નાના બેજ અને રીસ્ટબેન્ડ પહેર્યા હતા.
સામાન્ય રીતે રિસ્પ્શનમાં 100 જેટલા લોકોની હાજરી હોય છે પરંતુ વિરોધને કારણે લગભગ 60 લોકો હાજર રહ્યા હતા. સામાન્ય રીતે આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં વ્હાઈટ હાઉસની વાર્ષિક ઈફ્તારનો પણ આ જ રીતે બહિષ્કાર કરાયો હતો.