- અમિત રોય દ્વારા
ઋષિ સુનકે બુધવાર તા. 26ના રોજ 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમના પ્રથમ દિવાળી રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ બકિંગહામ પેલેસ ગયા ત્યારે કિંગ ચાર્લ્સે તેમને ભારતીય મીઠાઈનું બોક્સ ભેટમાં આપ્યું હતું અને સરકાર બનાવવા માટે કિંગ ચાર્લ્સ દ્વારા પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
200 જેટલા ભારતીય સમુદાયના અગ્રણીઓની ઉપસ્થિતીમાં હર્ષોલ્લાસ વચ્ચે દરેકને દિવાળીની શુભકામનાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે “હું જે કરું છું તે બધી સામાન્ય બાબતો મેં કરી નથી. મેં કોઈ દીવા પ્રગટાવ્યા નથી. પરંતુ મેં લેસ્ટરથી મારી મીઠાઈ મેળવવાની વ્યવસ્થા કરી છે. તમને જાણીને આનંદ થશે કે કિંગ ચાર્લ્સે મને દિવાળીની મિઠાઈ આપી હતી. કિંગે મને દિવાળીની ભેટ આપી તે આઇડીયા લોર્ડ જીતેશ ગઢિયાનો હતો, જોકે કિંગ ચાર્લ્સ પોતે ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજોથી પરિચિત હતા.’’
સુનકે છ દાયકા
પહેલા કેન્યાથી બ્રિટન આવેલા પોતાના નાનીને યાદ કરતા કહ્યું હતું કે “હું મારા નાનીજી વિશે વિચારું છું, જ્યારે તેઓ આ દેશમાં આવવા માટે કેટલાક દાયકાઓ પહેલા વિમાનમાં સવાર થયા ત્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યારે પોતાના પરિવારને ફરીથી જોશે. તેઓ આજે મારી સાથે નથી. મને લાગે છે કે તેમણે મારા વિશે શું વિચાર્યું હશે. અહીં તમારી સામે આજે ઉભો છું ત્યારે અને મેં ઘણાને અગાઉ કહ્યું છે તેમ, મારી વાર્તા એ તમારી વાર્તા છે. આપણા પરિવારોએ શું કર્યું છે, તેઓ શેમાંથી પસાર થઇ રહ્યા છે તે વિશેની આપણી સામૂહિક વાર્તા છે. અને તે જે કહે છે તે આપણા દેશ વિશે આશ્ચર્યજનક છે. ચાન્સેલર તરીકે મેં જે સૌથી અવિશ્વસનીય કાર્ય કર્યું હતું એ તે કે મેં પહોંચ્યા પછી તરત જ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દીવાઓ પ્રગટાવ્યા હતા. અને હું જાણું છું કે તમારા બધા માટે અને વિશ્વભરના લોકો માટે તેનો કેટલો અર્થ છે.”
શ્રી સુનકે મહેમાનોને કહ્યું હતું કે “આ મારુ પ્રથમ રિસેપ્શન છે જે હું ઓફિસમાં મારા પહેલા પૂરા દિવસે યોજી રહ્યો છું. આપણા દેશની સેવા કરવાની આ તક મને મળેલી દિવાળીની ખાસ ભેટ છે. પછી ભલે આપણે હિન્દુ, શીખ, જૈન હોઇએ પણ આપણા બધામાં સમાન છે, તે છે સેવાનો આ વિચાર, જે આપણા બધા માટે અતિ મહત્વનો છે. તેથી હું આખા દેશ વતી કહેવા માંગુ છું, હું તમારા બધા સાથે કહી શકું છું કે તમે તમારા સમુદાય માટે જે કરો છો તેના માટે તમારો આભાર.”
પેઢીઓથી ચાલ્યા આવતા એશિયન મૂલ્યો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “સેવામાં રહેવાની ઇચ્છા મારા માતા-પિતાને કારણે છે. તમારામાંથી ઘણાએ મને ભૂતકાળમાં તેમના વિશે વાત કરતા સાંભળ્યો છે કે મારી માતાની દુકાનમાં કામ કરતી વખતે તેમણે મને મૂલ્યો સાથે ઉછેર્યો હતો. અને તે મૂલ્યો સખત મહેનત, બલિદાન, શિક્ષણ અને કુટુંબ વિશે છે. તે મૂલ્યો છે જે આપણે એક સમુદાય તરીકે શેર કરીએ છીએ. અને તે મૂલ્યો છે જેણે મારી માતાની દુકાનમાં કામ કરતો હતો ત્યારે કે ભગવદ ગીતા પર સાંસદ તરીકે મારી પ્રથમ શપથ લેતો હતો ત્યારે મને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. અને સૌથી અગત્યનું, તે મૂલ્યો છે જે મને તમારા વડા પ્રધાન તરીકે ઓળખાવશે.’’
તેમણે બ્રિટન પ્રત્યેની તેમની કૃતજ્ઞતા અને ઋણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે “આ દેશમાં રહેવા માટે, મારા કે તમારા જેવી મુસાફરી શક્ય છે. ગ્રેટ બ્રિટનમાં કંઈક ખાસ છે અને, તમારા વડાપ્રધાન તરીકે અને દિવાળીના અદ્ભુત સાર્વત્રિક સંદેશથી પ્રેરિત થઇને હું તમને ખાતરી આપું છું કે બ્રિટનનું નિર્માણ કરવા માટે હું મારાથી બનતું બધું જ કરીશ. જ્યાં આપણા બાળકો અને ગ્રાન્ડ ચિલ્ડ્રન બ્રિટનનું નિર્માણ કરી શકે અને તેમના દીવાઓ પ્રગટાવી શકે, આશા સાથે ભવિષ્ય તરફ જોઇ શકે. ખુબ ખુબ આભાર.”
આ પ્રસંગે મહેમાનોમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, ભક્તિવેદાંત મનોર વોટફર્ડના પ્રમુખ વિશાખા દાસી, એશિયન મીડિયા ગ્રુપમાંથી કલ્પેશ અને શૈલેષ સોલંકી પણ હતા, જેમના સ્વર્ગસ્થ પિતા રમણીકલાલ સોલંકીએ ગરવી ગુજરાતની સ્થાપના કરી હતી અને તેઓ નંબર 10 પર નિયમિત મુલાકાત લેતા હતા. અન્ય અગ્રણી મહેમાનોમાં શ્રેય અને અપર્ણા માધવાણી, કન્ઝર્વેટિવ પાર્ટીના ખજાનચી મલિક કરીમ, બેરોનેસ સંદિપ વર્મા, લોર્ડ સ્વરાજ પોલ, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ અધ્યક્ષો અમીત જોગિયા અને રીના રેન્જર, વેસ્ટકોમ્બના કમલ પાણખાનિયા, KPMGના બીના મહેતા, લંડનના નેહરુ સેન્ટરના ડિરેક્ટર અમીશ ત્રિપાઠીનો સમાવેશ થાય છે.
નેતૃત્વની સ્પર્ધા દરમિયાન ઘણીવાર સુનક સાથે હસ્ટિંગ્સમાં જોડાયેલા લોર્ડ ડોલર પોપટે વડાપ્રધાનનો મહેમાનોને પરિચય કરાવ્યો હતો.
કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ અને હવે તેના વાઇસ પ્રેસિડેન્ટ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે “દિવાળીના માત્ર એક દિવસ પહેલા જ વરાયેલા અને દિવાળીના દિવસે જ પીએમ તરીકે પદ સંભાળનાર બ્રિટિશ એશિયન વડા પ્રધાન સાથે દિવાળીની પ્રથમ ઉજવણી માટે નંબર 10 પર આવવું આશ્ચર્યજનક છે. હું જેમ દાયકાઓથી, એશિયન મૂલ્યોના મહત્વ વિશે વાત કરૂ છું તે જ મૂલ્યો વિષે તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું જે મૂલ્યો ઋષિ સુનક પોતે રજૂ કરે છે.”
સુનકે ખાતરી રાખી હતી કે બધા મહેમાનો મિઠાઈના પારંપરિક બોક્સ સાથે વિદાય લે.
વડા પ્રધાનનું અધિકૃત નિવાસસ્થાન, જ્યાં તેઓ તેમની પત્ની, અક્ષતા મૂર્તિ અને તેમની પુત્રીઓ, કૃષ્ણા અને અનુષ્કા (જોકે મોટી દિકરી ટર્મ દરમિયાન બોર્ડિંગ સ્કૂલમાં છે) સાથે રહેશે તે ડાઉનીંગ સ્ટ્રીટને ફૂલો અને દિવાળી ડેકોરેશનથી સજાવવામાં આવ્યું હતું.