રવિવારે સાંજે ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડમાં રહેતા નિથીન કુમાર નામના શોપ વર્કરે દુકાનની ઉપર આવેલા એક ફ્લેટમાં 1 વર્ષની દિકરી અને 3 વર્ષના દિકરાની છરીના વાર કરી હત્યા કર્યા બાદ જાતે ચાકુ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસ રક્ષણ હેઠળ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. દંપતીની પુત્રીનું ઘરે જ મોત નીપજ્યું હતુ જ્યારે પુત્રનુ મોટા ટ્રોમા સેન્ટરમાં નિધન થયુ હતુ.
નિશાને તેનો પુત્ર બાથરૂમમાં શ્વાસ માટે પ્રયાસ કરતા બાખતૂમમાં મળી આવ્યો હતો. જ્યારે એક વર્ષની પુત્રીને તેના પલંગમાં મોતને ઘાટ ઉતારેલી હીલતમાં મળી આવી હતી. છોકરાને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને મૃત જાહેર કરાયો હતો.
નિથીન કુમાર તેના ઘરની નજીક એક દુકાનમાં કામ કરતો હતો અને સાંજે 4.30 વાગ્યે ઘરે પાછો આવ્યો હતો. તે સમય દરમિયાન શું થયુ તેની ખબર પડી નથી પરંતુ તેના એમ્પલોયર શનમુગ્થા થેવાદુરાઇએ જણાવ્યુ હતુ કે “તે મને કહેતો હતો કે તેની પત્ની ખુશ નથી કેમકે તે હજી પણ લોકડાઉનમાં કામ કરવા જઇ રહ્યો છે. તેઓ ચાર જણા નાનકડા ફ્લેટમાં રહેતા હતા અને મને લાગે છે કે આ બધુ તેના માટે વધારે થઈ ગયુ હતુ.’’
શનમુગ્થાએ જણાવ્યું હતું કે ‘’નિથી એક પ્રેમાળ પિતા હતો અને સખત મહેનત કરતો હતો. તે દુકાનમાં આવતા લોકોમાં પ્રિય હતો. બધું સામાન્ય હતું. સવારે દુકાન ખોલી કામ કર્યું અને તેણે જતા પહેલા મને ચા પણ બનાવી આપી હતી.’
કુમાર અને નીસા શ્રીલંકાના વતની છે અને 2014માં તેમણે લગ્ન કર્યાં હતાં અને તેઓ સ્થાનિક સમુદાયમાં જાણીતા હતા. કુમાર અને તેની પત્નીએ એક વર્ષ પહેલા જ ફ્લેટમાં રહેવાનુ શરૂ કર્યુ હતુ. તે ઘરની નજીક જ સ્ટોરમાં નોકરી કરતો હતો અને સાંજે 4-30 કલાકે નોકરી પરથી છુટીને ઘરે ગયો હતો.
તેમનો છ મહિના પહેલાં કુટુંબીજનની જન્મદિવસની પાર્ટીમાં લેવાયેલો ફોટો પણ બહાર પડાયો હતો જેમાં પરંપરાગત સાડી પહેરેલી નિસા પ્રેમથી તેની બાળકીને તેડીને ઉભી છે. જ્યારે નિથીન કુમારે તેના પુત્રને પ્રેમથી પકડ્યો છે.
પડોશીઓના જણાવ્યા મુજબ આ ઘાતકી હુમલા બાદ બાળકોની માતા નીશા પોતાના નાનકડા ફ્લેટમાંથી ‘બચાવો … બચાવો…’ એવી ચીસો પાડતી બહાર દોડી ગઇ હતી અને કકળાટ મચાવી મૂક્યો હતો. પોલીસ પ્રવક્તાએ ઉમેર્યું હતુ કે “અમે આ ઘટના સંદર્ભે બીજા કોઈની શોધ કરી રહ્યા નથી.” ફોરેન્સિક અધિકારીઓએ તપાસ આદરી હતી.