અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ઇંગ્લેન્ડમાં બીજા લોકડાઉનના કારણે ડબલ-ડિપ મંદીનો ભય છે અને બેરોજગારી વધવા સાથે જીડીપીમાં 7.5%થી 10%ની વચ્ચેનો ઘટાડો થશે. રિટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રએ ક્રિસમસના વેપારમાં ઘટાડો થશે તેવી ચેતવણી આપી છે.
બેન્ક ઑફ ઇંગ્લેન્ડના પોલીસીમેકર્સની બેઠક આ અઠવાડિયે મળનાર છે જેઓ નવું લોકડાઉન મંદી તરફ દોરી જશે તેવા ભય વચ્ચે અર્થતંત્રમાં વધુ £ 100 બિલીયન ઠાલવે તેવી અપેક્ષા રાખે છે. વડા પ્રધાન દ્વારા પ્રતિબંધોને કડક બનાવવાની જાહેરાત કરવામાં આવે તે પહેલાં જ MPCએ અંધકારમય આર્થિક આગાહીની ઘોષણા કરી હતી.
પહેલા લોકડાઉનના સૌથી ગંભીર મહિના એપ્રિલમાં અર્થતંત્રમાં 20 ટકાનો ઘટાડો થયો હતો અને એક અગ્રણી વિશ્લેષકે આગાહી કરી છે કે બીજા લોકડાઉનના કારણે 10% સુધીનો ઘટાડો થઇ શકે છે.
બોરિસ જ્હોન્સન લંડનના મેયર હતા ત્યારના તેમના આર્થિક સલાહકાર જેરાર્ડ લિયોન્સે જણાવ્યું હતું કે “અર્થતંત્રમાં નોંધપાત્ર રીતે સંભવત: 7.5થી 10% જેટલો ઘટાડો થશે અને અપેક્ષા રાખું છું કે બેરોજગારી 1.52 મિલિયનથી વધીને 3 મિલિયન થઈ જશે.