વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડિયો કોન્ફરન્સ મારફત દેશની પહેલી ડબલ ડેકર માલગાડીને હરી ઝંડી દેખાડી હતી. મોદીએ વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડૉર (WDFC)ના 306 કિમીના ન્યૂ રેવારી-ન્યૂ મદાર સેક્સન રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વડાપ્રધાને આ પ્રોજેક્ટ્સને વિકાસના પ્રતીક તરીકે ગણાવ્યો હતો. WDFCનો ન્યૂ રેવરી-ન્યૂ મદાર સેક્શન હરિયાણા અને રાજસ્થાન વચ્ચે આવેલો છે.
ન્યૂ અટેલી-ન્યૂ કિશનગઢ વચ્ચેની ડબલ સ્ટેક લોંગ હોલ 1.5 કિમી કેન્ટેનર ટ્રેન વિશ્વની પ્રથમ ટ્રેન છે. આ માલગાડી દોઢ કિલોમીટર લાંબી છે અને તે બે કન્ટેનર લઇ જઇ શકે એવી છે.
વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતાં કહ્યું હતું કે છેલ્લાં થોડા સમયમાં એવાં કાર્યો થયાં છે જે દેશમાં વિકાસને ગતિ આપી રહ્યા હતા. આપણે અટકવાના નથી, વિકાસની દિશામાં આગેકૂચ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે હવે દેશમાં માલગાડીની સ્પીડ પણ વધારવામાં આવી રહી હતી. અગાઉ માલગાડીઓ કલાકના 25થી 30 કિલોમીટરની ઝડપે દોડતી હતી. હવે કલાકના 90 કિલોમીટરની ઝડપે દોડતી થઇ હતી.
તેમણે ઉમેર્યું કે આ કોરિડોર ફક્ત આધુનિક માલગાડીઓ માટેનો રુટ નથી, દેશના ઝડપી વિકાસરનો કોરિડોર પણ છે. આ કોરિડોરથી હરિયાણા અને રાજસ્થાનના ડઝનબંધ જિલ્લામાં ધમધમી રહેલા સ્થાનિક ઉ્દ્યોગોને લાભ થશે.
વડા પ્રધાને કહ્યું કે દેશના યુવાનોને આગળ ધપવા માટે વીજળી-પાણી-ઇન્ટરનેટ-પાકી સડકો-ઘર વગેરે સુવિધાઓ અપાઇ રહી હતી. હવે ફ્રેટ કોરિડોરની જેમ ઇકોનોમિક અને ડિફેન્સ કોરિડોર પણ શરૂ કરાશે.