લોકડાઉન માટે એશિયનને દોષ ન આપો : કન્ઝર્વેટિવ એમપીની ‘જાતિવાદી’ ટિપ્પણી માટે માફી માંગતા મુસ્લિમો

0
817

એક્સક્લુસીવ

  • બાર્ની ચૌધરી દ્વારા

કોવિડ-19 કેસ માટે એશિયન સમુદાયને દોષીત ઠેરવવા અને “એશિયન અને ઇમિગ્રન્ટ્સ” પર નવા પ્રતિબંધોની જરૂર હોવાનું જણાવનાર કેલ્ડર વેલીના કન્ઝર્વેટીવ એમપી ક્રેઇગ વ્હિટકેરની ટિપ્પણીને “રેસીસ્ટ’’ ગણાવી વરિષ્ઠ એશિયન રાજકારણીઓ, મુસ્લિમ સંગઠનો અને સરકારના સલાહકારોએ નિંદા કરી છે.

સરકારના એન્ટી મુસ્લિમ હેટ્રેડ વર્કીંગ ગૃપના ઉપાધ્યક્ષ, કારી અસીમે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે  ‘’કેલ્ડર વેલીના સાંસદ ક્રેઇગ વ્હિટકેરે જ્યારે એલબીસી રેડીયો પર કહ્યું હતું કે મેં મારા મતક્ષેત્રમાં જોયું છે કે કેટલાક સમુદાયના લોકો રોગચાળાને ગંભીરતાથી નથી લઈ રહ્યા.” તે જ મુલાકાતમાં, વ્હીટેકરે પુષ્ટિ કરી હતી કે તેમની ટીકાનું લક્ષ્ય મુસ્લિમો, એશિયન લોકો અને ઇમિગ્રન્ટ્સ છે. પરંતુ બીબીસીના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે બચાવ કર્યો હતો.

લીડ્સની મક્કા મસ્જિદના વરિષ્ઠ ઇમામ અસીમે કહ્યું હતું કે ‘’આવી ટિપ્પણીઓ કરવી તે બેજવાબદારી છે અને તે આપણા સમાજમાં ફક્ત વિભાજન કરશે. જે કોઈપણ બેદરકાર, બેજવાબદાર ટિપ્પણી કરે અથવા જાતિગત તિરસ્કાર ભડકાવે અને જાતિવાદી ટિપ્પણી કરે તેણે માફી માંગવી જોઈએ.”

કન્ઝર્વેટિવ પાર્ટી ઇસ્લામોફોબીક છે તેવી ફરિયાદ કરનાર ભૂતપૂર્વ ટોરી સહ-અધ્યક્ષ, બેરોનેસ સઇદા વરસીએ સોશ્યલ મીડિયા પર નિંદા કરતાં જણાવ્યું હતું કે ‘’કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી, જેમ કે બીચ પ્રેમીઓ, પબ ગોઅર્સ, ગેરકાયદેસર રેવર્સ, એન્ટિ ફેસ માસ્ક વિરોધીઓ, ફૂટબૉલ કપ જીતની ઉજવણી કરનારાઓ વગેરે. શું હવે આપણે બધાને જાતિ દ્વારા વર્ગીકૃત કરીશું? આ વિવાદાસ્પદ બકવાસ બંધ થવી જ જોઇએ.”

એક સ્રોતે જણાવ્યું હતું કે, “ઘણા પ્રેરિત ટોરી સાંસદોએ દલીલ કરવાનો પ્રયાસ કર્યો હતો કે ‘’દક્ષિણ એશિયાઈ સમુદાયો તેમના મત વિસ્તારોમાં ચેપના ફેલાવા માટે દોષી હતા.

લેસ્ટર ઇસ્ટના સાંસદ, ક્લાઉડિયા વેબ્બેએ એમપી વ્હીટેકરના શબ્દોને “ટોરી રાજકારણી દ્વારા ધિક્કારપાત્ર જાતિવાદી ટિપ્પણીઓને સમુદાયોને વિભાજીત કરવાના વ્યાપક પ્રયત્નોનો ભાગ” ગણાવી હતી.

મેફેયરના લોર્ડ રામી રેન્જર વ્હીટ્ટેકરને જાતિવાદી માનતા નથી પણ તેમણે કહ્યું હતું કે ‘’લઘુમતી વંશીય જૂથો જાણી જોઈને નિયમોની અવગણના કરી રહ્યા છે તેના પુરાવા જોવા માંગશે. મારી પાસે પુરાવા નથી, અને મને નથી લાગતું કે તેમની પાસે કહ્યું છે તે સ્પષ્ટ રીતે કહેવાની સત્તા છે.’’

ગ્રેટર માન્ચેસ્ટરના ચૂંટાયેલા મેયર, એન્ડી બર્નહામે પણ વ્હિટેકરની ટીકા કરી તેમનુ ધ્યાન બીજે કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.  લેસ્ટરના ફેડરેશન ઑફ મુસ્લિમ ઓર્ગેનાઇઝેશને વ્હિટેકરની ટિપ્પણીઓને “ઉશ્કેરણીજનક” કહી છે. તેના પ્રવક્તા સુલેમાન નાગડીએ જણાવ્યું હતું કે “અમારી પાસે વૈજ્ઞાનિક, વાઇરોલોજિસ્ટ અને કેટલાક ડોકટરો પણ છે અને મસ્જિદો અને મદ્રેસાઓ માર્ચના પ્રથમ લોકડાઉન પહેલાના પાંચ દિવસ પહેલા બંધ કરી દેવાયા હતા. અમે આ રોગચાળાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. ”

28 જુલાઇએ લેસ્ટરની કાઉન્સિલ ઓફ ફેઇથ્સના અધ્યક્ષ, ફૈયાઝ સુલેમાને હેલ્થ સેક્રેટરીને પત્ર લખીને શહેરના લોકડાઉનનો અંત લાવવા વિનંતી કરી હતી. તેમના 30થી વધુ ફેઇથ જૂથોએ 15 જુદી જુદી ભાષાઓમાં 26,000 થી વધુ સંદેશા મોકલ્યા હતા.

ગરવી ગુજરાતે વ્હિટ્ટેકરે કરેલી ટિપ્પણી માટે પગલા લેવાશે કે કેમ કે જાણવા કેબિનેટ ઑફિસ, નંબર 10 અને કન્ઝર્વેટિવ પાર્ટી હેડક્વાર્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.