ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન-સંસદસભ્ય અને દાતા દિનશા પટેલ દ્વારા દાનની સરવાણી વહેવડાવવાનો અભિગમ યથાવત રાખતા રૂ. 1.51 કરોડના માતબર દાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે આ ચેક શ્રી દિનશા પટેલના હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઇ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.
દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી. સી. એ. પટેલ, શ્રી એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યા હતા. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. જેમાં ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં શ્રીમતી કુંદનબેન દિનશા પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ચારુસેટ હોસ્પિટલ માટે દિનશા પટેલ જનરલ વોર્ડ, પેશન્ટ વેલ્ફેર ફંડ, ગોલ્ડ મેડલ એન્ડોવમેન્ટ ફંડનો સમાવેશ થાય છે.