અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની ચૂંટણીમાં જો બાઇડેનને રાજકીય રીતે “કચડી નાખવા”નો સંકલ્પ લીધો છે. બાઇડેને 2024ના ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરતા ગુરુવારે ટ્રમ્પે તેમના પ્રથમ પ્રચારમાં ચેતવણી આપી હતી કે જો રીપબ્લિકન બિલિયોનેર ફરીથી પ્રેસિડેન્ટ નહીં બને તો અમેરિકામાં “અરાજકતા” સર્જાશે.
ન્યૂ હેમ્પશાયરમાં માન્ચેસ્ટર ખાતેની એક હોટેલમાં ટ્રમ્પે જાહેર સંબોધન કર્યું હતું.
તેમણે પ્રમાણમાં સાધારણ એવી અંદાજે 1,500 સમર્થકોની ભીડને જણાવ્યું હતું કે, “આ ચૂંટણીમાં હવે તાકાત કે નબળાઈ વચ્ચે, સફળતા કે નિષ્ફળતા વચ્ચે, સલામતી કે અરાજકતા વચ્ચે, શાંતિ કે ઘર્ષણ વચ્ચે, અને સમૃદ્ધિ કે વિનાશ વચ્ચે પસંદગી કરવાની છે. “આપણે એક ભારે ઉત્પાતમાં જીવી રહ્યા છીએ. 5 નવેમ્બર, 2024ના રોજ તમારા મતથી, આપણે જો બિડેન અને વ્હાઇટ હાઉસને ચૂંટણી જંગમાં હરાવવા માટે જઈ રહ્યા છીએ, અને અમે આપણા અપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ.”
ગ્રેનાઈટ સ્ટેટમાં જાન્યુઆરી પછી ટ્રમ્પની આ પ્રથમ જાહેર સભા હતી, જેણે તેમને આયોવામાં અસ્થિર શરૂઆત પછી 2016 રીપબ્લિકનના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતવા માટે પ્રેરણા આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 80 વર્ષીય બાઇડેને ગત મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ 2024માં બીજી ટર્મ માટે પ્રેસિડેન્ટ બનવા ઇચ્છે છે, જોકે, તેમણે ચેતવણી આપી હતી કે, ગત ચૂંટણીની જેમ આવનારી આ ચૂંટણી “આત્મા માટેના યુદ્ધ સમાન” હશે.
ટોચના ઘણા રીપબ્લિકન કહે છે કે, 76 વર્ષીય ટ્રમ્પ, 2020ની સામાન્ય ચૂંટણીમાં અને છેલ્લી બે મધ્યસત્ર ચૂંટણીમાં રીપબ્લિકનનું નબળું પ્રદર્શન રહ્યા પછી ફરીથી હારવા તરફ જઇ રહ્યા છે.