યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના કમાન્ડર કાસીમ સુલેમાનીનીની સંડોવણી નવી દિલ્હીથી લઈ લંડન સુધી ત્રાસવાદી કાવતરાઓમાં ચાવીરૂપ ભૂમિકા હતી. ટ્રમ્પે સુલેમાની પર હુમલો કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘આતંકવાદનો શાસનકાળ પુરો થઈ ગયો છે’. જનરલ સુલેમાની ઈરાનના અલ-કુદ્સ સૈન્ય દળનો વડો હતો. શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી નીકળેલા તેના કાફલા પર યુએસના ડ્રોન હુમલામાં તે માર્યો ગયો હતો.
આ હુમલામાં ઈરાનના શક્તિશાળી અર્ધ લશ્કરી દળના નાયબ વડા હાશ્દ અલ-શાબી અને કેટલાક અન્ય ઈરાન સમર્થિત સ્થાનિક લશ્કરી સૈનિકો પણ માર્યા ગયા હતા. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, ઇરાકમાં યુ.એસ.ને નિશાન બનાવી અનેક રોકેટ હુમલો કરવામાં આવ્યા હતા, જેમાં એક અમેરિકનની હત્યા કરવામાં આવી હતી અને ચાર અમેરિકન સૈનિકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય બગદાદમાં અમારા દૂતાવાસ પર હિંસક હુમલો સુલેમાનીના આદેશથી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘સુલેમાનીએ પોતાના દુષ્ટ ઇરાદાથી કેટલાય નિર્દોષ લોકોને માર્યા હતા.
નવી દિલ્હી અને લંડનમાં પણ આતંકવાદી હુમલાના કાવતરામાં સુલેમાનીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી. આજે આપણે એમને યાદ કરીએ જેઓ સુલેમાનીની ક્રૂરતાનો ભોગ બન્યા હતા. તેમની આત્માને શાંતિ મળશે કારણ કે હવે આતંકવાદનો એક શાસનકાળ સમાપ્ત થઈ ગયો છે. ટ્રમ્પે કહ્યું કે સુલેમાની છેલ્લા 20 વર્ષથી પશ્ચિમ એશિયાને અસ્થિર કરવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેમણે કહ્યું કે શુક્રવારે અમેરિકાએ જે કર્યું હતું તે ખૂબ પહેલાં કરી લેવું જોઇતું હતું.
જો આ કામ પહેલાં થયું હોત તો ઘણાં જીવન બચાવી શક્યા હોત. તાજેતરમાં, સુલેમાનીએ ઈરાનમાં વિરોધીઓને નિર્દયતાથી દબાવ્યા હતા. ઇરાન સાથે વધી રહેલા તણાવ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે સુલેમાનીની મૃત્યુથી યુદ્ધ શરૂ નહીં થાય. તેમણે કહ્યું, ‘ગઈકાલે રાત્રે અમે યુદ્ધ અટકાવવા કાર્યવાહી કરી હતી. અમે યુદ્ધ શરૂ કરવા કાર્યવાહી કરી નથી. ઇરાનીઓ ઉત્તમ લોકો છે અને અભૂતપૂર્વ વારસો ધરાવે છે અને તેમની ક્ષમતાઓ અમર્યાદિત છે. આપણે શાસનમાં પરિવર્તન નથી માંગતા.
દરમિયાન યૂરોપિયન યુનિયનમાં વિદેશ પ્રધાન જોસેપ બોરેલે શુક્રવારે કહ્યું હતું કે ઇરાકમાં ‘હિંસાનો ઘટનાક્રમ કાબૂમાંથી નીકળી જાય તે પહેલાં તેને અટકાવવો જોઈએ.’ તેમણે એક નિવેદનમાં કહ્યું કે યુરોપિયન યુનિયન આ નાજુક પ્રસંગે સંયમ રાખવા અને જવાબદાર વલણ અપનાવવા માટે સમાયેલ તમામ પક્ષોને અપીલ કરે છે.