અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ જે ટ્રમ્પના પુત્ર અને યુએસ સ્થિત ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આ મહિને ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ભારત મુલાકાત દરમિયાન તેઓ ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં તેના વિસ્તરણની જાહેરાત કરી શકે છે.
ન્યૂયોર્ક સ્થિત ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન મુંબઈ સ્થિત ટ્રિબેકા ડેવલપર્સ સાથે ભાગીદારી દ્વારા ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે.યુએસ ફર્મ અને ટ્રિબેકાએ ‘ટ્રમ્પ’ બ્રાન્ડ હેઠળ લક્ઝરી પ્રોજેક્ટ્સ બનાવવા માટે લોઢા જૂથ સહિત સ્થાનિક ડેવલપર્સ સાથે જોડાણ કર્યું છે. અત્યાર સુધીમાં ચાર લક્ઝરી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી એક પૂણેમાં પૂર્ણ થઈ ચૂક્યો છે.
ટ્રિબેકા ડેવલપર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર આ મહિને ટ્રિબેકા ડેવલપર્સની 10મી-વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે ભારત આવવાની ધારણા છે.” આ મુલાકાત દરમિયાન, ટ્રમ્પ જુનિયર અને ટ્રિબેકા ડેવલપર્સના સ્થાપક કલ્પેશ મહેતા બંને દેશમાં તેમના બિઝનેસ વિસ્તરણની યોજનાની જાહેરાત કરે તેવી શક્યતા છે.
મહેતાએ કહ્યું હતું કે “ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન સાથે ટ્રિબેકાનું બિઝનેસ એસોસિયેશન 10 વર્ષ જૂનું છે અને વર્ષોથી તે વધુ મજબૂત બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર વિના અમારી 10 વર્ષની ઉજવણી પૂર્ણ થઈ શકી ન હોત અને મને આનંદ છે કે તેઓ અમારી સાથે જોડાશે.”
હાલમાં ભારતમાં ટ્રમ્પના ચાર પ્રોજેક્ટ છે. તેમાં ટ્રમ્પ ટાવર દિલ્હી-એનસીઆર, ટ્રમ્પ ટાવર કોલકાતા, ટ્રમ્પ ટાવર પુણે અને ટ્રમ્પ ટાવર મુંબઈનો સમાવેશ થાય છે. ભારતમાં, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને પંચશીલ રિયલ્ટી સાથે ભાગીદારી કરીને પૂણેમાં એક લક્ઝરી પ્રોજેક્ટ પૂરો કર્યો છે.
નવેમ્બર 2017માં ટ્રમ્પ ટાવર કોલકાતામાં શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 140 અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે અને યુનિમાર્ક ગ્રૂપ, RDB ગ્રૂપ અને ટ્રિબેકા ડેવલપર્સ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.