અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે આજે મિડલ ઈસ્ટ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાન મુજબ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બન્ને અલગ દેશ તરીકે રહે એવી ટુ નેશન થિયરી રજૂ થઈ છે. પ્લાન પર ટ્રમ્પ ૩ વર્ષથી કામ કરતા હતા. ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલ્યો આવે છે. તેનો કાયમી ઉકેલ આવે એટલે માટે ટ્રમ્પના આ પ્લાનમાં પેલેસ્ટાઇન પાસે અત્યારે જેટલી ધરતી છે, એટલી ધરતી પર નવા રાષ્ટ્રનું સર્જન કરવાનો પ્રસ્તાવ છે.
પેલેસ્ટાઈને એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર આ પ્રસ્તાવ નકારી દીધો છે. કેમ કે પ્લાન પ્રમાણે જેરુસલેમ શહેર ઇઝરાયેલ પાસે જ રહે છે. જ્યારે કે પેલેસ્ટાઈનની સ્પષ્ટ ડિમાન્ડ છે કે જેરુસલેમ શહેર અમારા નવા રચાનારા રાષ્ટ્રનું પાટનગર બને. જે આયોજનમાં અમને ઈસ્ટ જેરુસલેમ શહેર મળવાનું ન હોય એવા કોઈ આયોજન પર અમારે ચર્ચા-વિચારણા કરવાની થતી નથી કે નથી એ આયોજન સ્વિકારવાનું. ૧૯૬૭માં ઇઝરાયેલે પેલેસ્ટાઈન પર આક્રમણ કરીને આ શહેર કબજે લીધું હતું.
ઇઝરાયેલના વડા પ્રધાન નિતેન્યાહુ અત્યારે અમેરિકી યાત્રા પર છે. તેમને સાથે રાખીને જ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આ આયોજન જગત સમક્ષ રજૂ કર્યું હતુ. જોકે આંતરરાષ્ટ્રીય બાબતોના અનેક નિષ્ણાતોએ આ આયોજનને વગર વિચાર્યે કરેલો પ્લાન ગણાવ્યો છે. તો પેલેસ્ટાઇને આક્ષેપ કરતાં કહ્યું છે કે અમારી ભૂમિ છીનવી લેવાનું આ અમેરિકા-ઈઝરાયેલનું કાવત્રું છે. પેલેસ્ટાઈની પ્રમુખ મહમુદ અબ્બાસે જણાવ્યુ હતુ પેલેસ્ટાઇનની ભૂમિ અમે વેચવા નીકળ્યા નથી, તેના પર કોઈ સોદા-બાજી થશે નહીં.
ટ્રમ્પના પ્લાન પ્રમાણે વેસ્ટ બેન્ક નામનો વિસ્તાર પણ ઇઝરાયેલ પાસે રહેશે. આ વિસ્તાર સાડા પાંચ હજાર ચોરસ કિલોમીટરનો છે. ઈઝરાયેે એ વિસ્તાર પર પણ ૧૯૬૭ના યુદ્ધ વખતે કબજો કર્યો હતો.
ઈઝરાયેલની જ્યાં ૧૯૪૮માં સ્થાપના થઈ ત્યાં પહેલા આરબોની પેલેસ્ટાઇન ભૂમિ જ હતી. પરંતુ એ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વેમાં અહીં યહુદીઓ રહેતા હતા. એ આધારા એ ભૂમિ પર ઇઝરાયેલ દેશ સ્થપાયો છે. બીજી તરફ પેલેસ્ટાઈની આરબો પોતાની ભૂમિ ખાલી કરી ક્યાંય જવા માગતા નથી. માટે દાયકાઓથી બન્ને વચ્ચે સંઘર્ષ ચાલે છે.
ઇમ્પીચમેન્ટની કાર્યવાહીમાં ટ્રમ્પ માટે રાહતના સમાચાર
અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત થઈ છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની કાર્યવાહી મામલે સેનેટે ફગાવી દીધો છે. સેનેટે નવા સાક્ષીઓ અને દસ્તાવેજો રજૂ કરવાના ડેમોક્રેટ પાર્ટીના પ્રસ્તાવને નકારી દીધો છે.
હવે એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે સેનેટ આગામી સપ્તાહે જ પ્રેસિડેન્ટ ટ્રમ્પને તેમના પર લાગેલા આરોપોમાંથી મુક્ત કરી શકે છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ પોતાની સત્તાનો દુરૂપયોગ કરવાને લઈને સેનેટમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ મામલે પ્રેસિડેન્ટ ટ્રમ્પ વિરૂદ્ધ ડેમોક્રેટ સાંસદોએ નવા સાક્ષીઓ રજૂ કરવાની મંજૂરી માંગ હતી કે જેથી પૂર્વ એનએસએ બોલ્ટનની યુક્રેનની મદદ રોકવા સંબંધી ગવાહી કરાવી શકાય. પરંતુ વિપક્ષના આ પ્રસ્તાવ પર રોક લગાવવા માટે 51 મત પડ્યા. જ્યારે કે તેના પક્ષમાં 49 મત પડ્યા. 100 સભ્યો ધરાવતી સેનેટમાં રિપબ્લીકન પાસે 53 અને ડેમોક્રેટ્સ પાસે 47 બેઠકો છે. જો કે ટ્રમ્પની જ રિપબ્લીકન પાર્ટીના 2 સેનેટર મિટ રોમની અને સુઝેન કોલિન્સે પાર્ટી લાઇન વિરૂદ્ધ મતદાન કર્યું અને ડેમોક્રેટ્સનો પક્ષ લીધો હતો. જોકે ટ્રમ્પ સહેજ માટે બચી ગયા હતાં. આ સાથે જ તેમનો બીજી વાર પ્રેસિડેન્ટની ચૂંટણી લડવાનો માર્ગ પણ મોકળો બની ગયો છે.
અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સની બહુમતિ હોવાથી અહીં ટ્રમ્પ વિરૂદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ પસાર થઇ ગયો. પરંતુ સેનેટમાં
આ પ્રસ્તાવ ફગાવાયા બાદ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ પસાર થવાની શક્યતા સમાપ્ત થઇ ગઇ છે.