ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ) પ્રક્રિયામાં અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટે બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માહભિયોગના તમામ આરોપમાંથી મુક્ત કર્યા છે. તેઓ પ્રમુખ પદે યથાવત્ રહેશે. તેમના વિરૂદ્ધ બે આક્ષેપો થતા 18 ડિસેમ્બરથી ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થઈ હતી.
અમેરિકાના બંધારણ પ્રમાણે જ્યારે કોઈ પ્રમુખ રાષ્ટ્રને નુકસાન થાય એે રીતે કામ કરી રહ્યાં છે, એવુ લાગે ત્યારે તેમને ઈમ્પિચ કરવાની જોગવાઈ છે. ઇમ્પીચમેન્ટ એ કાયદીય શબ્દ છે, જેનો સાદો અર્થ કાઢી મુકવા એવો થાય છે. ટ્રમ્પને કાઢી મુકવા કે નહીં એ અમેરિકી સેનેટમાં મતદાન દ્વારા નક્કી થવાનું હતું. બુધવારે મતદાન થયું હતું, જેમાં એક આક્ષેપમાં ટ્રમ્પની તરફેણમાં 100માંથી 52, બીજા આક્ષએપમાં 100માંથી 53 મત મળ્યા હતા.
ટ્રમ્પ વિરૂદ્ધ યુક્રેન સાથેના સબંધોનો અંગત દુરૂપયોગ કરવાનો અને અમેરિકી સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાના એમ બે આક્ષેપ હતા. ટ્રમ્પે આ વિજય પછી ઇમ્પીચમેન્ટ પ્રક્રિયાને એક મજાક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે મને ગમે તેમ કરીને હટાવવા માટે ઘણા લોકો એક થઈને ખોટી રીતે મચી પડયા હતા, પરંતુ તેમને સફળતા મળી નથી. જો બેમાંથી એક પણ આક્ષેપમાં ટ્રમ્પની વિરૂદ્ધમાં મતદાન થયુ ંહોત તો એમણે પ્રમુખ પદેથી રાજીનામુ આપવું પડયું હોત. એ પછી વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ રાષ્ટ્રપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળત.
અગાઉ અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવે ટ્રમ્પ વિરૂદ્ધ મતદાન કરીને તેમને ઈમ્પિચ કરવાની ભલામણ સેનેટને મોકલી હતી. ભારતીય સંસદની જેમ અમેરિકી સંસદના બે ભાગ છે, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ. એ બન્ને પૈકી સેનેટ સર્વોચ્ચ (રાજ્યસભા જેવું) ગૃહ છે.
સેનેટનો નિર્ણય અંતિમ ગણાય છે. ટ્રમ્પ રિપબ્લિકન પક્ષના નેતા છે, જે પક્ષની હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી નથી. માટે ત્યાં ટ્રમ્પ વિરૂદ્ધ (અને ઇમ્પીચમેન્ટની તરફેણમાં) મતદાન થયું હતુ. એ પછી કાયદાકીય રીતે કાર્યવાહી આગળ વધીને સેનેટમાં પહોંચી હતી. સેનેટમાં 100 સભ્યો હોય છે, જેમાંથી 53 સભ્યો રિપબ્લિકન છે. એ બધા સભ્યોએ ટ્રમ્પની તરફેણમાં મતદાન કર્યું હતું. ટ્રમ્પનો કાર્યકાળ આ વર્ષે જ પુરો થાય છે. તેઓ ફરીથી ચૂંટણી લડવાના છે. અમેરિકાના ઇતિહાસમાં ઇમ્પીચમેન્ટની કાર્યવાહી થયા પછી ચૂંટણી લડનારા તેઓ પ્રથમ પ્રમુખ બનશે. અગાઉ 3 વખત ઇમ્પીચમેન્ટની કાર્યવાહી થઈ હતી.
એ વખતે તત્કાલીન પ્રમુખોએ ચૂંટણી લડવાથી દૂર રહેવાનુ પસંદ કર્યું હતું. અત્યારે ટ્રમ્પ આગામી નવેમ્બરમાં આવનારી ચૂંટણીમાં વિજયી થવા માટે આશ્વસ્ત છે. તેઓ પહેલેથી આ બધા આક્ષેપ ખોટા હોવાનો દાવો કરતા આવ્યા છે.
આક્ષેપ નંબર 1 : પોતાના હરિફ અને પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ જો બિડેન વિરૂદ્ધ યુક્રેન સરકાર તપાસ કરે એ માટે ટ્રમ્પે યુક્રેનના પ્રમુખને ભલામણ કરી હતી. બિડેનનો દિકરો યુક્રેનમાં બિઝનેસ ધરાવે છે. બિડેનને કોઈક રીતે ફસાવવાની ટ્રમ્પની યોજના હતી. આ આક્ષેપમાં ટ્રમ્પને 100માંથી 52 મત મળ્યા હતા, 28 તેમની વિરૂદ્ધ પડયાં હતા.
આક્ષેપ નંબર 2 : જ્યારે આ મુદ્દે તપાસ કરવાની વાત અમેરિકી કોંગ્રેસે કરી ત્યારે ટ્રમ્પે સહકાર આપવાની ના પાડી દીધી હતી. માટે કોંગ્રેસની કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. આ આક્ષેપમાં ટ્રમ્પને 53 મત મળ્યાં હતા.
રિપબ્લિકન સાંસદ મિટ્ટ રોમનીએ બીજા (સંસદની કાર્યવાહી અવરોધવાના) આક્ષેપના મતદાન વખતે પોતાના જ પક્ષ એટલે કે ટ્રમ્પ વિરૂદ્ધ મતદાન કર્યું હતું. 2012માં મિટ્ટ રિપબ્લિકનના ઓબામા સામે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર હતા. મિટ્ટ પહેલેથી માને છે કે ટ્રમ્પે અમુક અંશે ગરબડ કરી છે.