ન્યૂયોર્કના જ્યુરીએ પોર્ન સ્ટારને નાણા ચુકવવાના હશ મની કેસમાં તમામ આરોપો માટે દોષિત ઠેરવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના એવા પ્રથમ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બન્યાં હતા કે જેમને કોઇ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય. હવે જજ જુઆન મર્ચન 11 જુલાઈએ સજા સંભાળવશે.
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રાખવા કરવામાં આવેલા પેમેન્ટને છુપાવવા માટે ટ્રમ્પે ખોટા બિઝનેસ રેકોર્ડ ઊભા કર્યા હતાં. જ્યુરીએ ખોટા બિઝનેસ રેકોર્ડના તમામ 34 આરોપમાંથી દરેક માટે તેમને દોષિત ઠેરવ્યા હતાં. સૈદ્ધાંતિક રીતે તેમને દરેક આરોપ માટે ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે, પરંતુ પ્રોબેશન મળવાની શક્યતા વધુ છે. ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે કોઈપણ સેક્સ એન્કાઉન્ટરનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોતાના બચાવમાં જુબાની આપી ન હતી. તેમના વકીલોએ દલીલ કરી હતી કે ડેનિયન્સને કરવામાં આવેલી કોઈપણ ચૂકવણી સંપૂર્ણપણે કાયદેસર હતી. ટ્રમ્પે 2016ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ડેનિયલ્સને $130,000ની ચુકવણી કરી હતી.
આ કેસમાં 77 વર્ષીય રિપબ્લિકન પ્રેસિડન્ટ ઉમેદવારને જામીન વગર મુક્ત કરાયા હતા, પરંતુ હવે તેઓ એક ગુનેગાર છે. અમેરિકા માટે આ ઐતિહાસિક અને ચોંકાવનારો ચુકાદો છે, કારણ કે અમેરિકાના પ્રેસિડન્ટને સામાન્ય રીતે વિશ્વના સૌથી પાવરફૂલ વ્યક્તિ માનવામાં આવતા હોય છે.
જોકે ટ્રમ્પ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ આવ્યો નથી. તેઓ જેલમાં જાય તો પણ તેઓ પ્રમુખ બની શકે છે.
કોર્ટના ચુકાદા પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું. વાસ્તવિક ચુકાદો મતદારો આપશે. બાઇડન કેમ્પેઇને જણાવ્યું હતું કે આ ટ્રાયલ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. ટ્રમ્પ દ્વારા આપણી લોકશાહી માટે જે ખતરો ઉભો થયો છે તે ક્યારેય આનાથી મોટો નથી.
12-સભ્યોની જ્યુરીએ બે દિવસમાં 11 કલાકથી વધુ સમય સુધી વિચાર-વિમર્શ કર્યો હતો. આ પછી થોડી મિનિટોમાં સર્વસંમત ચુકાદો આપ્યો હતો.
ટ્રમ્પ બીજા ઘણા આરોપોનો પણ સામનો કરી રહ્યાં છે. 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવા અને વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ગુપ્ત દસ્તાવેજો સંગ્રહિત કરવાના ષડયંત્રના ફેડરલ અને રાજ્ય સ્તરના આરોપ પણ છે. જોકે ચૂંટણી પહેલા આ કેસોની સુનાવણી ન થવાની ધારણા છે.