અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીના રીપબ્લિકન ઉમેદવાર, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂ યોર્ક સિવિલ ફ્રોડ કેસમાં સોમવારે $454 મિલિયનના બોંડ ભરવાના મુદ્દે રકમ અને મુદત બન્નેમાં મહત્ત્વની રાહત મળી હતી. કોર્ટે હવે ફરમાવ્યું છે કે, ટ્રમ્પને બોંડ ભરવામાં વધુ દસ દિવસનો સમય આપવામાં આવે છે અને તેણે $454 મિલિયન નહીં પણ $175 મિલિયનના જ બોંડ કે એટલી રકમ આગળની કાર્યવાહી સ્થગિત કરવા માટે ભરવાના રહેશે.
અગાઉ, ટ્રમ્પે કોર્ટ સમક્ષ એવી સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, પોતે $454 મિલિયનની રકમના બોંડ માટે વ્યવસ્થા કરી શકે તેમ નથી. આ સંજોગોમાં સોમવારે કોર્ટે સોમવારે તેને રાહત આપી ના હોત તો ન્યૂ યોર્ક સ્ટેટમાં આવેલી તેની મિલકતોની જપ્તની કાર્યવાહી શરૂ થવાનું જોખમ રહેતું હતું. સોમવારે આ રાહત મળ્યાનું જાણ્યા પછી ટ્રમ્પે પોતાની ટ્રુથ સોશિયલ એપ ઉપર જણાવ્યું હતું કે આ રકમ પોતે બોંડ દ્વારા અથવા તો એટલી જ રકમની અન્ય જામીનગીરી કે પછી રોકડ રકમ જમા કરાવીને પણ ભરી દેશે, કોર્ટના ફરમાનનું તે પાલન કરશે.