અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે જવાના છે. ભારતમાં તેઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રાની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. આ તમામ શહેરોમાં સલામતીથી લઇને ટ્રમ્પના સ્વાગતની તડમાર તૈયારીઓ થઈ રહી છે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તેના જેવો જ કાર્યક્રમ હવે ટ્રમ્પ માટે ભારતમાં પણ યોજાય એવી શક્યતા છે.
ટ્રમ્પની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૩થી ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસે જાય તેવી શક્યતાઓ છે. એ વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પની મુલાકાતમાં બન્ને દેશો – ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવે તેવી ધારણા છે.
અમદાવાદમાં હાલ ટ્રમ્પ માટે એક હાઉડી મોદી જેવો જ હાઉડી ટ્રમ્પ કાર્યક્રમ યોજવાની પણ તૈયારીઓ કરાઈ રહી હોવાના અહેવાલો છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લઇ શકે છે.
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. એ માહોલમાં ટ્રમ્પની ભારતની મુલાકાત અમેરિકામાં વસતા ભારતીયો અને એનઆરઆઇના મતો આકર્ષવા માટે પણ મહત્વની બની શકે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.
એવા પણ સંકેતો મળે છે કે ટ્રમ્પ પહેલા સીધા અમદાવાદ આવે અને પછી દિલ્હી જાય.
વાઇટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર એવા વિસ્તારોમાં વધુ છે જ્યાં ગુજરાતીઓ અને અન્ય ભારતીયોની સંખ્યા વધુ હોય. તેમાં ન્યૂ જર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્કનો પણ સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલા દિલ્હી આવશે. ૨૪મીએ બન્ને દેશોના ડેલિગેશન વચ્ચે બેઠક યોજાય તેવી શક્યતા છે. પછી ટ્રમ્પ આગ્રા અને અંતે અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. જોકે ટ્રમ્પના કાર્યક્રમ અંગે કોઇ સત્તાવાર માહિતી, તારીખ અને સમય જાહેર કરવામાં નથી આવ્યો પણ તેઓ આવી રહ્યા હોવાની માહિતીના આધારે હાલ અમદાવાદ, આગ્રા, દિલ્હીમાં તૈયારીઓ ચાલી રહી છે.
ટ્રમ્પનાં ૧૦૦થી વધુ અંગત અંગરક્ષકો
ટ્રમ્પની સુરક્ષામાં તેમના પોતાના જ ૧૦૦થી વધુ અંગરક્ષકો હશે. તેઓ અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હશે. અદ્યતન ઉપકરણોથી સજ્જ વાહનોમાં આ અંગરક્ષકો ટ્રમ્પની સાથે જ રહેશે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમમાં પણ આ અંગરક્ષકો ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત રહેશે.
સ્થાનિકો ઘરબાહર નીકળી નહીં શકે
ટ્રમ્પની સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાતને પગલે અહીંના રહેવાસીઓને ઘરમાં પુરાઈ રહેવું પડશે. સુરક્ષાના કારણોસર સ્ટેડિયમ અને આશ્રમ નજીકના રસ્તા સામાન્ય લોકો માટે બંધ કરી દેવાશે. તેને કારણે અહીંના રહેવાસીઓ બહાર નીકળી નહી શકે.
રૂટ પરની દુકાનો, ઓફિસો બંધ કરી દેવાશે
ટ્રમ્પ જે રૂટ પરથી સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ પહોંચશે તે રૂટ પરની ઓફિસો અને દુકાનો સુરક્ષાના કારણોસર બંધ કરાવી દેવાશે. ટ્રમ્પની સુરક્ષામાં તેમના પોતાના જ ૧૦૦થી વધુ અંગરક્ષકો હશે. જે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હશે. અદ્યતન ઉપકરણોથી સજ્જ વાહનોમાં આ અંગરક્ષકો ટ્રમ્પની સાથે જ રહેશે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમમાં પણ આ અંગરક્ષકો ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત રહેશે.
ટ્રમ્પની મુલાકાત દરમિયાન અમદાવાદ ‘નો ફ્લાય ઝોન’ રહેશે
ડોનાલ્ડ ટ્રમ્પ ૩ ભારત પ્રવાસ દરમિયાન ૨૩ ફેબ્રુઆરીએ અમદાવાદ આવે તેવા સંકેત છે. ટ્રમ્પની ૩-૪ કલાકની મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે તમામ ફ્લાઇટની અવર-જવર બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.
ટ્રમ્પના ભારત પ્રવાસ કાર્યક્રમને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ૩-૪ કલાકના રોકાણ દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તમામ ફ્લાઇટની અવર-જવર બંધ કરવામાં આવી શકે છે.
આમ, સમગ્ર અમદાવાદને ‘નો ફ્લાય ઝોન’ હેઠળ આવરી લેવામાં આવે તેવી સંભાવના છે. ટ્રમ્પની મુલાકાત વખતે અમદાવાદ આવનારી તમામ ફ્લાઇટ્સ વડોદરા ડાઇવર્ટ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જો કે, આ અંગે અમદાવાદ એરપોર્ટે હાલ કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો છે.
ટ્રમ્પની મુલાકાતને આખરી ઓપ અપાયા બાદ અમેરિકન પ્રમુખની સુરક્ષા સમિતિના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદ એરપોર્ટ, સાબરમતી આશ્રમ, મોટેરા સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમ ખાતે ‘હાઉડી મોદી’ જેવો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાઇ શકે છે.
અમેરિકન સુરક્ષા એજન્સીઓ સ્ટેડિયમ-સાબરમતી આશ્રમમાં ધામા નાખશે
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે ટુંક સમયમાં અમેરિકન એજન્સી અમદાવાદમાં ધામા નાંખી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ પર કબજો જમાવશે. તે સિવાય એકાદ બે દિવસમાં દિલ્હીથી એસપીજીની ટીમો પણ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ પોલીસ સાથે સંકલન કરીને એજન્સી સુરક્ષા પ્લાનને આખરી ઓપ આપશે અને સુરક્ષામાં સહેજપણ કચાશ જણાશે તો તે અંગે સલાહ સૂચનો આપશે. બીજી તરફ સ્ટેડિયમ અને આશ્રમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. ઉપરાંત આશ્રમથી સ્ટેડિયમ સુધીના રૃટ ઉપર પણ અસંખ્ય કેમેરા લગાવાયા છે
ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે જડબેસલાક બદોબસ્તની તૈયારી કરવામાં આવી છે. ટુંક સમયમાં અમેરિકન સુરક્ષા એજન્સીઓ શહેરમાં ધામા નાંખશે અને મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ પર કબજો જમાવી લેશે. દિલ્હીથી બે ત્રણ દિવસમાં એસપીજીની ટીમો પણ આવી પહોંચશે. બાદમાં અમદાવાદ પોલીસ સાથે સુરક્ષાને લઈને વિસ્તૃત ચર્ચા કરીને સુરક્ષા પ્લાનને આખરી ઓપ આપવામાં આવશે. સમીક્ષા દરમિયાન સુરક્ષામાં ક્યાંય ત્રુટી રહી ગયેલાનું જણાશે તો તાત્કાલિક તે દૂર કરવામાં આવશે, એમ પોલીસે જણાવવામાં આવ્યુંહતું.
ટ્રમ્પ સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના હોઈ બન્ને ઠેકાણે ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. સ્ટેડિયમ અને આશ્રમમાં અસંખ્ય સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સિવાય ટ્રમ્પનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો છે ત્યાં પણ અંદાજે ૭૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મોટેરા સ્ટેડિયમ અને તેના પાર્કિંગમાં બે કંટ્રોલરૂમ પણ ઉભા કરાયા છે. રથયાત્રાની પેટર્ન મુજબ મુખ્ય પોલીસ કંટ્રોલરૂમમાંથી તમામ સીસીટીવી કેમેરા મારફતે બાજ નજર રાખવામાં આવશે. બંદોબસ્તમાં ચાર હજારથી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ગોઠવવામાં આવશે. તે સિવાય એનએસજી કમાન્ડો, આરપીએફ, એસઆરપીએફ અને રાયોટ કંટ્રોલ પોલીસ સહિતની એજન્સીઓ પણ સુરક્ષામાં સામેલ હશે.