અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં પ્રવાસન (ઈમિગ્રેશન)ને અસ્થાયી રીતે બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરશે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણથી 42,094 લોકોના મોત થઈ ગયા છે અને સાડા સાત લાખથી વધારે સંક્રમિત થયા છે.
ટ્રમ્પે સોમવારે રાત્રે ટ્વિટ કર્યું કે, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખીને અને અમારા મહાન અમેરિકાના નાગરિકોની નોકરીઓ બચાવવા માટે, હું સંયુક્ત રાષ્ટ્રમાં અસ્થાયી રીતે ઈમિગ્રેશનને બંધ કરવાના એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીશ. જો કે તેઓ ક્યારે હસ્તાક્ષર કરશે તે અંગે કોઈ માહિતી આપી નથી.
ટ્રમ્પે ઈમિગ્રેશન સસ્પેન્ડ કરવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે ભારતીય આઈટી ક્ષેત્રમાં એચ-1બી વીઝા ખૂબ જ લોકપ્રિય છે જે એક બિન-પ્રવાસી વીઝા છે. જો કે ટ્રમ્પે તર્ક આપ્યો છે કે અમેરિકાના નાગરિકોની નોકરીઓની સુરક્ષા કરવાની જરૂર છે તો આવામાં બિન-પ્રવાસી વીઝા પણ તેમના નિશાના પર આવી શકે છે. કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં રેકોર્ડ સંખ્યામાં છટણી થઈ રહી છે અને ગયા અઠવાડિયે 2.2 કરોડ અમેરિકાના નાગરિકોએ બેરોજગારીના લાભ માટે અરજી કરી હતી.