કોરોના મહામારી પછીથી ભારતમાં વિમાન મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં આશરે 1.08 કરોડ ડોમેસ્ટિક મુસાફરોએ વિમાનમાં મુસાફરી કરી હતી, જે માર્ચની 1.06 કરોડની સંખ્યા કરતાં આશરે બે ટકા વધુ છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ તેના માસિક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલમાં તમામ અગ્રણી ભારતીય એરલાઇન કંપની માટે પેસેન્જર લોડ ફેક્ટર (ઓક્યુપેન્સી રેટ) 78 ટકાથી ઊંચો રહ્યો હતો. એપ્રિલ 2022માં સ્પાઇસજેટ, ઇન્ડિગો, વિસ્તારા, ગો ફર્સ્ટ, એર ઇન્ડિયા અને એરએશિયા ઇન્ડિયાનો લોડ ફેક્ટર અનુક્રમે 85.9 ટકા, 78.7 ટકા, 82.9 ટકા, 80.3 ટકા, 79.5 ટકા અને 79.6 ટકા રહ્યો હતો.
કોરોના મહામારીને કારણે ભારત અને બીજા દેશોમાં ટ્રાવેલ નિયંત્રણોને કારણે છેલ્લાં બે વર્ષમાં એવિયેશન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો.
DGCAએ જણાવ્યું હતું કે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ એપ્રિલમાં 64.11 લાખ લોકોને વિમાનમાં મુસાફરી કરાવી હતી, જે ડોમેસ્ટિક માર્કેટમાં 58.9 ટકા બજારહિસ્સો દર્શાવે છે. 11.09 લાખ પેસેન્જર સાથે ગો ફર્સ્ટ બીજા ક્રમે રહી હતી. આ ઉપરાંત સ્પાઇસજેટને 10.1 લાખ અને એર ઇન્ડિયાને 8.26 લાખ મુસાફરો મળ્યા હતા. વિસ્તારા અને એરએશિયાને અનુક્રમે 9.04 લાખ અને 4.92 લાખ મુસાફરો મળ્યા હતા.
DGCAએ જણાવ્યું હતું કે એપ્રિલમાં ફ્લાઇટના સમયસર ઉડ્ડયનમાં એર એશિયા ઇન્ડિયા પ્રથમ સ્થાને રહી હતી. ચાર મેટ્રો એરપોર્ટ બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈમાં તેની 94.8 ટકા ફ્લાઇટ્સે સમયસર ઉડ્ડયન કર્યું હતું. વિસ્તારા અને ઇન્ડિગો સમયસર ઉડ્ડયનમાં બીજા અને ત્રીજા ક્રમે રહી હતી.