તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં કેટલાંક ચોંકાવનારા તારણો આવ્યા છે. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની આશરે 30 ટકા મહિલાઓએ કેટલાંક સંજોગોમાં પતિ દ્વારા પત્નીની મારમીટને વાજબી ગણાવી છે. નવાઇની વાત એ છે કે આના કરતાં ઓછી ટકાવારીમાં પુરુષો આવી વર્તણુકને વાજબી ગણાવે છે.
18 રાજ્યોમાંથી ગુજરાત સહિતના 13 રાજ્યોની મહિલાઓએ મારમીટને વાજબી ગણવાના કારણોમાં સાસરિયાની અવગણાને મુખ્ય કારણ ગણાવ્યું હતું.
આ સરવેમાં જણાવ્યા અનુસાર ત્રણ રાજ્યોની આશરે 75 ટકા મહિલાઓ પતિ દ્વારા પત્નીની મારમીટને યોગ્ય ઠેરવામાં આવી છે. તેલંગણાની 84 ટકા, આંધ્રપ્રદેશની 84 ટકા અને કર્ણાટકની 77 ટકા મહિલાઓએ આ વર્તનને યોગ્ય ગણાવ્યું છે. આ ઉપરાંત મણિપુરની 66 ટકા, કેરળની 52 ટકા, જમ્મુ અને કાશ્મીરની 49 ટકા, મહારાષ્ટ્રની 44 ટકા અને પશ્ચિમ બંગાળની 42 ટકા મહિલા આવા વર્તનને યોગ્ય ગણાવે છે.
“તમારા અભિપ્રાય મુજબ પતિ દ્વારા પત્નીને ફટકારવામાં આવે કે મારવામાં આવે તો તે યોગ્ય છે?”એવા પ્રશ્નના જવાબમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની આશરે 30 ટકા મહિલાએ હકારમાં જવાબ આપ્યો હતો.
આ સરવેમાં પતિ દ્વારા પત્નીની મારમીટ માટેના કેટલાંક સંભવિત સંજોગો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં પત્નીના ચારિત્ર પર પતિને આશંકા, સાસરિયાને પૂરતું સન્માન ન આપવું, પતિ સાથે દલીલ કરવી, પતિ સાથે સેક્સ કરવાનો ઇનકાર કરવો, પતિને જાણ કર્યા વગર બહાર જવું, ઘર કે બાળકોની અવગણના કરવી અને સારુ ભોજન ન બનાવવું વગેરનો સમાવેશ થાય છે.
સરવેમાં જણાવ્યા અનુસાર પતિ દ્વારા મારપીટને વાજબી ગણવામાં આવતા સૌથી સામાન્ય કારણોમાં ઘર અને બાળકોની અવગણના તથા સાસરિયા પ્રત્યે સન્માનનો અભાવ છે.
18 રાજ્યોમાંથી 13 રાજ્યોની મહિલાઓએ સરવેમાં જણાવ્યા અનુસાર મારપીટને વાજબી ઠેરવતું મુખ્ય કારણ સાસરી પક્ષના સભ્યો પ્રત્યે પત્નીનો અનાદર છે. આ રાજ્યોમાં હિમાચલપ્રદેશ, કેરળ, મણિપુર, ગુજરાત, નાગાલેન્ડ, ગોવા, બિહાર, કર્ણાટક, આસામ, મહારાષ્ટ્ર, તેલંગણા, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. પતિ દ્વારા મારમીટને વાજબી ગણતી સૌથી ઓછી મહિલા હિમાચલપ્રદેશમાં છે. આ રાજયોમાં 14.8 ટકા મહિલાઓ આવા કૃત્યને યોગ્ય માને છે. પુરુષોમાં જોઇએ તો કર્ણાટકના 81.9 ટકા પુરુષ આ વર્તનને વાજબી ગણે છે. આની સામે હિમાચલપ્રદેશના માત્ર 14.2 ટકા પુરુષો તેને યોગ્ય માને છે.