ખાનગી એરલાઇન ગો ફર્સ્ટે નાદારી નોંધાવ્યા પછી ભારતમાં કેટલાંક રૂટ અને ખાસ કરીને દિલ્હી માટેના ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા સાતમા આસમાને પહોંચ્યા છે. બુધવારે 24 કલાકના એડવાન્સ બુકિંગમાં દિલ્હીથી મુંબઈનું સસ્તામાં સસ્તુ વિમાન ભાડુ વન-વેના રૂ.19,000 હતું. આની સામે પહેલી જૂને દિલ્હી-દુબઇનું સૌથી સસ્તુ વિમાન ભાડુ રૂ.14,000 હતું.
એ જ રીતે 1 જૂને દિલ્હી-કોચીનનું વન-વે ભાડું 22,000 રૂપિયાથી શરૂ હતું, જ્યારે કોલકાતા અને ચેન્નાઈની ટિકિટ લગભગ 14,000 રૂપિયા હતી. ભાડાની સ્થિતિ મુંબઈ કે અન્ય શહેરોથી બહુ અલગ નથી. 1 જૂનના રોજ મુસાફરી માટે મુંબઈથી લેહ સુધીની સૌથી સસ્તી 24-કલાકની એડવાન્સ ટિકિટ રૂ.22,500 અને કોચી માટે રૂ.20,000 હતી. પરંપરાગત રીતે મોંઘા ગણાતા પૂર્વ અને ઉત્તર-પૂર્વીય સ્થળોના ભાડા હાલમાં સસ્તાં છે.
ગો ફર્સ્ટની એક્ઝિટ પછી નોન-સ્ટોપ હવાઈ ભાડા આસમાને સ્પર્શ્યા છે. આ ઉપરાંત મંગળવારે રાજધાનીમાં ભારે વાવાઝોડાના કારણે ઘણી ફ્લાઇટ ડાઇવર્ટ કરાઈ હોવાથીપણ દિલ્હીનું ભાડુ ઊંચું છે. આગામી ત્રણ દિવસ માટે દિલ્હીથી મુંબઈનું વન-વે ભાડું બુધવારે અનુક્રમે રૂ.13,000, રૂ.11,500 અને રૂ. 10,500 હતું.
મુંબઈથી કેટલાક સ્થળોના વિમાન ભાડા ખૂબ ઊંચા હતાં, પરંતુ પૂર્વીય અને ઉત્તરપૂર્વીય સ્થળોની સામાન્ય રીતે મોંઘી ફ્લાઈટ્સ તુલનાત્મક રીતે સસ્તી હતી, જેમાં મુંબઈ-કોલકાતા રૂ.7,200, બાગડોગરા રૂ.8,300 હતા.
સામાન્ય રીતે એક દિવસ પહેલા બુકિંગ કરાવો તો વિમાનના ભાડા ઊંચા હોય છે, પરંતુ કેટલાંક રૂટસ માટે નોન સ્ટોપ ફ્લાઇટના ભાડામાં અસાધારણ ઉછાળો આવ્યો છે. ગો ફર્સ્ટની નાદારીથી બજારમાં માગ અને પુરવઠાની સ્થિતિ તંગ બની છે. બીજું એ કે મે-અંત અને જૂનની શરૂઆતમાં માંગમાં ઉછાળો જોવા મળે છે કારણ કે વેકેશન માણવા ગયેલા લોકો પરત આવે છે.
મુસાફરોએ સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. બુધવારે શ્રુતિ ચતુર્વેદીએ ટ્વિટ કરીને દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટ માટે રૂ. 21,000 ચુકવ્યા હોવાનું જણાવ્યું હતું. અન્ય એક મુસાફર રોહિત વર્માએ ટ્વીટ કર્યું કે તેને દિલ્હીથી બેંગલુરુ માટેની ફ્લાઇટ માટે રૂ.20,000 ચુકવ્યા હતા.