ભારતમાં ડોમેસ્ટિક વિમાન યાત્રામાં કોરોના મહામારી પહેલા જેવી ફરી રોનક આવી છે. 2022માં એરલાઇન્સની આવકથી લઇને મુસાફરોની અવરજવરમાં જબરદસ્ત વધારો થયો છે અને તે ફરી એકવાર 2019ના સ્તરના 85.7 ટકાને સ્પર્શ્યો હતો, એમ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના એક અહેવાલમાં જણાવાયું છે.
આ મહિનાની શરૂઆતમાં અહેવાલ જારી કરતાં IATA એવું પણ જણાવ્યું હતું કે હવાઈ મુસાફરીમાં સુધારો ડિસેમ્બર 2022માં પણ ચાલુ રહ્યો હતો અને સમગ્ર વર્ષ માટે પ્રદર્શન 2021ની તુલનામાં ઉચ્ચ સ્તરે હતું.
IATAના જણાવ્યા અનુસાર 2021ની સરખામણીએ 2022માં ભારતમાં ડોમેસ્ટિક રેવન્યુ પેસેન્જર કિલોમીટર (RPK)માં 48.8 ટકાનો વધારો થયો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે ડિસેમ્બર 2022માં હવાઈ ટ્રાફિક ડિસેમ્બર 2019 નજીક પહોંચી ગયો હતો અને તે માત્ર 3.6 ટકા નીચે હતો. 2022માં ઇન્ડિયન ડોમેસ્ટિક અવેઇલેબલ સીટ કિલોમીટર (એએસકે)માં એક વર્ષ અગાઉની સરખામણીમાં 30.1 ટકાનો વધારો થયો છે.
અન્ય એશિયા પેસિફિક ડોમેસ્ટિક માર્કેટ માટે રેવન્યુ પેસેન્જર કિલોમીટર (RPK) દ્વારા માપવામાં આવતા ડોમેસ્ટિક ટ્રાફિકમાં 2021માં જાપાનમાં 75.9 ટકાનો વધારો થયો છે અને 2019ના સ્તરના 74.1 ટકા સુધી પહોંચ્યો છે. જોકે 2022માં ચીનની આવકમાં ઘટાડો થયો હતો. 2021ની સરખામણીમાં ચીનના RPK અને ASK અનુક્રમે 39.8 ટકા અને 35.2 ટકા ઘટ્યા છે.