ભારતની અગ્રણી રિટેલ ચેઇનના ડિમાર્ટના સ્થાપક અને શેરબજારના જાણીતા રોકાણકાર રાધાકિશન દામાણીએ દુનિયાના ટોચના 100 ધનિકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડીમાર્ટના શેર્સના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી દામાણીની નેટવર્થ 19.2 બિલિયન ડોલર (રૂા.1.4 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં તેઓ હાલ 98મા સ્થાન પર છે. ગયા વર્ષે માર્ચમાં તેમની નેટવર્થ 12 બિલિયન ડોલર હતી, જેમાં 18 મહિનામાં 7 બિલિયન ડોલર એટલે કે 50 હજાર કરોડનો જંગી વધારો થયો છે.
દામાણી હાલ ડીમાર્ટમાં 74.9 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય દામાણી ઈન્ડિયા સિમેન્ટ્સમાં 11.3 ટકા, વીએસટી ઈન્ડસ્ટ્રીઝમાં 26 ટકા, સુંદરમ ફાઈનાન્સમાં 2.4 ટકા તેમજ અન્ય કંપનીઓમાં પણ હિસ્સો ધરાવે છે.
છેલ્લા 18 મહિનામાં ડીમાર્ટનું સંચાનલ કરતી એવન્યૂ સુપરમાર્ટના શેરમાં 64 ટકાનો ઉછાળો આવ્યો છે. બુધવારે 18 ઓગસ્ટ 2021ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 3,652 રુપિયાની સપાટી પર હતો. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં માર્ચ 2020માં જે કડાકો બોલાયો હતો, તે દરમિયાન આ શેર 1800 રુપિયા પર આવી ગયો હતો. ત્યારથી અત્યારસુધી તેમાં 100 ટકાથી વધુ ઉછાળો નોંધાઈ ચૂક્યો છે.
ગોલ્ડમેન સાક્સના તાજેતરના અહેવાલ અનુસાર, FMCG પ્રોડક્ટ્સના પ્રાઈસિંગ ડેટામાં ડીમાર્ટ અને જિયોમાર્ટ વચ્ચે તગડી સ્પર્ધા છે. બિગ બાસ્કેટની સરખામણીએ ડીમાર્ટ સ્પર્ધાત્મક દરો પર માલ વેચે છે, વળી બંને વચ્ચેનો તફાવત પણ ખૂબ જ વધી ગયો છે.