(REUTERS Photo)

ટેનિસના વિશ્વના નંબર વન ખેલાડી, સર્બિયાના નોવાક યોકોવિચને કોરોનાની વેક્સિન નહીં લીધાના કારણે ઓસ્ટ્રેલિયાથી હાંકી કઢાયો હતો. ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે વેક્સિન કેસમાં તેની વિરૂદ્ધ ચુકાદા આપ્યા પછી ઈમિગ્રેશન અધિકારીઓએ તેને મેલોબર્નથી જ એમિરેટ્સની ફલાઈટમાં દુબઈ માટે રવાના કરી દીધો હતો. કોર્ટના ચુકાદ પછી તેની સામે ઓસ્ટ્રેલિયાના વીસા માટે ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો, જો કે વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું કે, ફરી ઓસ્ટ્રેલિયન વીસા માટે તેને કદાચ એટલો લાંબો સમય રાહ જોવી પડે નહીં એવું પણ બની શકે છે.

યોકોવિચને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ નહીં આપવાના ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણય સામે કોર્ટ કેસ જીતી ગયેલા યોકોવિચના વિઝા ઈમિગ્રેશન મિનિસ્ટરે તેમના સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરીને રદ કર્યા હતા. તેની સામે યોકોવિચે ફરી અપીલ કરી હતી. જોકે ફેડરલ કોર્ટના ત્રણ જજની બેન્ચે એકમતથી ઈમિગ્રેશન મિનિસ્ટરના નિર્ણયને યોગ્ય ઠેરવતા યોકોવિચનું ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ.

યોકોવિચે ફેડરલ કોર્ટના ચુકાદાને અત્યંત નિરાશાજનક ગણાવ્યો હતો અને કાયદાનું સન્માન કરતાં એજન્સીને સહકાર આપવાની જાહેરાત કરી હતી. તેણે ટુર્નામેન્ટના આયોજકોને પણ શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતુ કે, તે હવે આરામ ફરમાવશે અને આગામી સિઝનની તૈયારી કરશે.