યુકેના બે રાજ્યો – ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 6ઠ્ઠી એપ્રિલથી અમલમાં આવેલા નવા કાયદા મુજબ હવે પતિ – પત્નીએ એકબીજાથી અલગ થવા કોઈ ખોટા પુરાવા ઉભા કરવાની મથામણ નહીં કરવી પડી, એકબીજા ઉપર ખોટા દોષારોપણ નહીં કરવા પડે અને વર્ષો સુધી ડાયવોર્સ માટે રાહ પણ જોવી નહીં પડે, કારણ કે દેશમાં “નો ફોલ્ટ ડાયવોર્સ” નો નવો કાયદો અમલમાં આવી ગયો છે. ડાયવોર્સ – છુટાછેડા સંબંધી કાયદામાં યુકેમાં 50 વર્ષના લાંબા ગાળા પછી આ સૌથી મોટો સુધારો અમલી બન્યો છે.
આ સુધારા પછી હવે કોઈપણ એકે – પતિએ કે પત્નીએ હવે એવું સાબિત કરવાની જરૂરત નહીં રહે કે તેમના જીવનસાથી લગ્નેતર સંબંધો, ગેરવ્યાજબી વર્તન કે એકબીજાને છોડીને જતા રહેવાના અપરાધી છે.
અગાઉની સ્થિતિ એવી હતી કે, ઉપર દર્શાવ્યા મુજબના મુખ્ય ત્રણ કારણોમાંથી કોઈ એક કારણ અસ્તિત્ત્વમાં ના હોય તો પતિ-પત્નીએ બે વર્ષ માટે એકબીજાથી અલગ રહ્યા પછી જ ડાયવોર્સ મળી શકતા હતા, અને તેમાં પણ બે-માંથી કોઈ એકને ડાયવોર્સની કાર્યવાહી સામે વાંધો હોય તો રાહ જોવાનો સમયગાળો વધીને પાંચ વર્ષનો થઈ જતો હતો.
યુકેમાં સ્કોટલેન્ડમાં પોતાની અલગ જ કાનૂની વ્યવસ્થા છે ત્યાં અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા જર્મની જેવા અન્ય દેશોના જેવી જ સ્થિતિ હવે આ સુધારા પછી યુકેમાં આવી ગઈ છે.
કેટલાક નિષ્ણાતોની એવી ધારણા છે કે, આ સુધારા અમલી બનવાની અનેક કપલ્સ રાહ જોઈ રહ્યા હતા અને હવે તે અમલમાં આવી ગયા પછી અચાનક જ ડાયવોર્સની અરજીઓમાં મોટા પાયે ઉછાળો આવી શકે છે, તો કેટલાક લોકોની અપેક્ષા એવી પણ છે કે, હવે પછી લગ્નજીવનમાં સંબંધો વણસે, તો છુટાછેડા – ડાયવોર્સ સહેલાઈથી મળી રહેવાના હોઈ લગ્ન કરનારાઓનું પ્રમાણ વધી જાય એવું પણ બની શકે છે.
ટીની ઓવેન્સના કેસના પગલે ડાયવોર્સના કાયદામાં પરિવર્તન માટેના અભિયાને વેગ પકડ્યો હતો. આ મહિલાનો છુટાછેડાનો કેસ યુકેની સુપ્રીમ કોર્ટે 2018માં ફગાવી દીધો હતો, કારણ કે 40 વર્ષના લગ્નજીવન પછી તેના માટે છુટાછેડા જરૂરી હોવાની વાત તે સુપ્રીમ કોર્ટના જજીસને ગળે ઉતારી શકી નહોતી. ટીનીએ તેના પતિનું વર્તન ગેરવ્યાજબી હોવાના કારણોસર ડાયવોર્સ માટેની અરજી કરી હતી, પણ તેના પતિએ તેની રજૂઆતનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જજીસે એવું ઠરાવ્યું હતું કે, પોતે એક નાપંસદ લગ્ન જીવનમાં ફસાયેલી છે એટલું કારણ ડાયવોર્સ માટે પુરતું નથી.
સામે, ટીનીનું એવું કહેવું હતું કે, જે સંબંધોમાં હવે પ્રેમ રહ્યો ના હોય તેવા લગ્નબંધનમાં બંધાઈ રહેવાનું કોઈના માટે પણ ફરજિયાત હોવું જોઈએ નહીં અને ડાયવોર્સ માટે કોઈપણને માથે લાંબા સમય સુધી ચાલે અને ખૂબજ ખર્ચાળ હોય તેવા કોર્ટ કેસનું ભારણ પણ હોવું જોઈએ નહીં.
આ નવા કાયદાના અમલ વિષે પ્રતિભાવ આપતાં ટીટી ઓવેન્સે કહ્યું હતું કે તેણે રજૂ કરેલા મુદ્દાઓનો આ સુધારામાં ઉકેલ છે અને તે રીતે હું આ સુધારેલા કાયદાને આવકારું છું. જો કે, આ સુધારા પછી પણ અમેરિકન શૈલીના ઝડપી – “ક્વિકી ડાયવોર્સ” તો યુકેમાં શક્ય નથી જ, અહીં બેમાંથી એક જીવન સાથી ડાયવોર્સ માટેની કાર્યવાહીની શરૂઆત કરે તે પછી ઓછામાં ઓછા 20 સપ્તાહ રાહ જોવી પડે છે અને પછી ડાયવોર્સના કાનૂની આદેશ માટે અરજી કરી શકાય છે. એ પછી પણ તેઓએ બીજા છ સપ્તાહ રાહ જોવાની રહે છે અને તે પછી ડાયવોર્સને મંજુરી મળે છે.