યુકેમાં માસ વેક્સિન કાર્યક્રમ માટેના મિનિસ્ટર નદીમ જહાવીએ સોમવારે એવા સંકેતો આપ્યા હતા કે, દેશમાં પબ્સ, રેસ્ટોરેન્ટ્સ, બાર્સ, સિનેમા હોલ્સ, સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ વગેરે દ્વારા થોડા સમયમાં એવા નિયમો અમલી બની શકે છે કે, જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી ના હોય – વેક્સિન લીધાના પુરાવા ના હોય તેમને પ્રવેશ અપાશે નહીં. જહાવીના આવા નિવેદન સામે સરકારે એવો ખુલાસો કર્યો હતો કે સરકારનો આ રીતે વેક્સિન ફરજિયાત બનાવવાનો કે વેક્સિન પાસપોર્ટ ઈસ્યુ કરવાનો કોઈ ઈરાદો નથી, સરકારનો ધ્યેય તો હાલના તબક્કે ફક્ત વધુ ને વધુ લોકોને શકય એટલા વહેલા કોરોનાની વેક્સિન આપી સુરક્ષિત કરવાનો છે.
સમાચાર સંસ્થા રોઈટર્સના અહેવાલ મુજબ સિનિયર મિનિસ્ટર માઈકલ ગોવે મંગળવારે સ્કાય ન્યૂઝ સાથેની વાતચિતમાં એવું કહ્યું હતું કે, “નિશ્ચિતપણે હું તો આવા કોઈ વેક્સિન પાસપોર્ટ રજૂ કરવાનું વિચારી રહ્યો નથી અને સરકારમાં બીજું કોઈ પણ આ દિશામાં વિચારતું હોય તેવું મારી જાણમાં નથી.”
નદીમ જહાવીના નિવેદનના સંદર્ભમાં પૂછવામાં આવતા માઈકલ ગોવે કહ્યું હતું કે, તેઓ એવું નથી માનતા કે લોકોને પબ, રેસ્ટોરેન્ટ, બાર કે સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં જવા માટે વેક્સિન પાસપોર્ટની જરૂર પડશે.
નદીમ જહાવીએ પણ સોમવારે એવું તો કહ્યું જ હતું કે, વેક્સિન લેવી કે નહીં તે તો સ્વૈચ્છિક નિર્ણય જ રહેશે પણ, કેટલાક જાહેર સ્થળો, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડસ સહિત એવા હશે કે જ્યાં જવા માટે વેક્સિન લીધાના પુરાવાની જરૂર પડી શકે છે. જહાવીએ કહ્યું હતું કે, પોતે વેક્સિન લેવી કે નહીં તેનો નિર્ણય દરેક વ્યક્તિએ પોતે લેવાનો રહેશે પણ, જાહેર સ્થળો દ્વારા એવો નિર્ણય લેવાય તો એ લોકોને એક શક્તિશાળી મેસેજ આપશે કે વેક્સિન લેવી એ લોકોના પોતાના ફેમિલી, સમાજ અને દેશના હિતમાં રહેશે.
કેટલીક એરલાઈન્સ તો એવું કહી ચૂકી છે કે તેઓ પોતાના ગ્રાહકોને પ્રવાસ માટે આવા ઈમ્યુનિટી કે વેક્સિન પાસપોર્ટ્સ રજૂ કરવાનું કહેવાની દરખાસ્ત ઉપર વિચારણા કરી રહી છે.
આ સંદર્ભમાં, કેટલાક નિષ્ણાતો દ્વારા પણ આવા કોઈ નિયમો કે શરતો અંગે અકળામણ વ્યક્ત કરાઈ ચૂકી છે અને તેઓએ તો ડેટા પ્રાઈવસી (માહિતી, વિગતોની ગુપ્તતા) તથા લોકોના માનવાધિકારો બાબતે ચિંતા પણ દર્શાવી છે.
આ બધી ચર્ચા એ સંદર્ભમાં વ્યાપક બની છે કે, યુકે સરકારે જુદી જુદી સાત કોરોના વાઈરસની વેક્સિનન્સ 357 મિલિયન ડોઝ વહેલાસર પ્રાપ્ત થાય તે માટે ઓર્ડર આપી દીધા છે. તેના પગલે, ખાસ કરીને ગણતરીના સપ્તાહોમાં એમાંની એક-બે વેક્સિન્સ પ્રાપ્ત પણ થવા લાગશે તેવા સંકેતોના પગલે દેશમાં જંગી વેક્સિનેશન ઝુંબેશ શરૂ થશે. તેના કારણે એવું પણ બની શકે કે જાહેર સ્થળોએ જવા માટે જહાવીએ સૂચન કર્યું છે તેવા કોઈ નિયમો આવે તો શું એવું બની શકે કે, જે લોકો વેક્સિન લેવા માંગતા નથી, અથવા તો લેવા ઈચ્છે છે પણ પ્રાયોરિટીના કારણે તેમણે રાહ જોવી પડે તેમ છે, એવા લોકોને ઓછી સ્વતંત્રતા મળશે અને વધુ નિયંત્રણો હેઠળ જીવવું પડશે?
કોવિડ વેક્સિન ડીપ્લોયમેન્ટના મિનિસ્ટર તરીકેની જવાબદારી સંભાળ્યા પછી જહાવીએ બીબીસી રેડિયો ફોરને આપેલા ઈન્ટરવ્યૂમાં વેક્સિનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આજની સ્થિતિએ તો વેક્સિન લેવી કે નહીં તે નિર્ણય સ્વૈચ્છિક છે, તે ફરજિયાત નથી. તેમને ઈમ્યુનિટી પાસપોર્ટ્સ તથા વેક્સિનેશન સ્ટેટસના એનએચએસ કોવિડ એપમાં સમાવેશ વિષે પૂછાતાં તેમણે શક્યતાની વાત કરી હતી.