વોલ્ટ ડિઝની કંપની નોર્થ અમેરિકામાં આ વર્ષે ઓછામાં ઓછા 60 ડિઝની રિટેલ સ્ટોર બંધ કરશે, જે તેના વૈશ્વિક સ્ટોર્સના આશરે 20 ટકા છે. કંપની હવે ઇ-કોમર્સ પર ફોકસ કરીને ડિજિટલ શોપિંગ પ્લેટફોર્મનું પુનર્ગઠન કરવા માગે છે.
કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે આ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ કંપની યુરોપમાં પણ સ્ટોર્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાની શક્યતા ચકાસી રહી છે. જોકે જાપાન અને ચીનના લોકેશનનને અસર થશે નહીં. ડિઝની હાલમાં વિશ્વમાં આશરે 300 ડિઝની સ્ટોર ધરાવે છે.
નોર્થ અમેરિકામાં સ્ટોર્સ બંધ કરવાથી કેટલાંક લોકો રોજગારી ગુમાવશે તે અંગે કંપનીએ માહિતી આપી નથી. ગ્રાહકો ફિઝિકલ સ્ટોર્સની જગ્યાએ ડિજિટલ શોપિંગ તરફ વળી રહ્યાં છે. વોલમાર્ટ ઇન્ક અને મેસી ઇન્ક જેવી કંપનીઓએ પણ તેમના સ્ટોર્સ બંધ કર્યા છે. કોરોના મહામારીથી આ ટ્રેન્ડ વધુ વેગ મળ્યો છે.
ડિઝનીના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસના પ્રેસિડન્ટ સ્ટેફાની યંગે જણાવ્યું હતું કે ગ્રાહકો ઓનલાઇન શોપિંગ તરફ વળ્યાં છે. વૈશ્વિક મહામારીથી ગ્રાહકોની રિટેલ કંપનીઓ પાસેથી અપેક્ષામાં ફેરફાર થયો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિઝનીએ બીજા રિટેલર્સમાં તેમના સ્ટોર્સમાં વધારો કર્યો છે. અમેરિકામાં તે ટાર્ગેટ ચેઇનમાં અને મધ્યપૂર્વમાં અલશાયા ગ્રૂપમાં સ્ટોર્સ ધરાવે છે. અહીં સ્ટોર્સ બંધ કરવામાં આવશે નહીં. ડિઝની પાર્કમાં રહેલા સ્ટોર્સને પણ અસર થશે નહીં. કંપની આગામી વર્ષે તેની શોપડિઝની એપ્સ અને વેબસાઇટમાં પણ ફેરફાર કરશે.