ભારત સરકારે 5 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રના 6 જાહેર સાહસોમાંથી તેનો હિસ્સો વેચ્યો છે અને તેનાથી સરકારને રૂ.26,457 કરોડની આવક થઈ હતી, એવી સોમવારે રાજ્યસભામાં રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન શ્રીપદ નાયકે જાણકારી આપી હતી.
સરકારે સૌથી વધુ કમાણી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)માં પોતાની હિસ્સેદારી વેચીને કરી હતી. આ કંપનીના હિસ્સાના વેચાણથી સરકારે રૂ.14,184.70 કરોડની આવક થઈ હતી. આ ઉપરાંત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)માં હિસ્સો ઘટાડીને રૂ.8,073.29 કરોડ અને ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL)માં હિસ્સેદારી વેચવાથી રૂ.2,371.19 કરોડ મેળવ્યા હતા. આ રીતે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (MIDHANI)માં ભાગીદારી વેચવાથી રૂ.434.14 કરોડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સ લિમિટેડ (ગ્રીજ)ના હિસ્સાના વેચાણથી રૂ.420.52 કરોડ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં હિસ્સેદારી વેચવાથી રૂ. 974.15 કરોડ મેળવ્યા હતા.
નાયકે જણાવ્યું હતું કે આ વેચાણ મેનેજમેન્ટની સ્થિતિમાં ફેરફાર કર્યા વિના ડિસઇન્વેસ્ટમેન્ટ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. આ દ્વારા સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારો કરવામાં આવ્યો છે. જે સાહસોનો હિસ્સો વેચાયો છે તે વિમાન નિર્માણ, મિસાઇલ ઉત્પાદન, ફાઇટર પ્લેન નિર્માણ અને સ્પેસ સેટેલાઇટ સાધનો સાથે સંકળાયેલા છે.