લોકપ્રિય ટીવી સિરિયલ તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં દયાબેનનું ભજવનાર દિશા વાકાણીએ તાજેતરમાં પુત્રને જન્મ આપ્યો છે. તેમના પતિ મયૂર પડિયા અને ભાઈ મયૂર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. મયૂરે જણાવ્યું હતું કે, ફરી એક વખત મામા બન્યો હોવાથી તે ખૂબ ખુશ છે. આ સીરિયલમાં ફરીથી જોડવાના સમાચાર છે ત્યારે જ તેમનાં પરિવારમાં વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. જોકે, પુત્રના જન્મના કારણે સીરિયલમાં દિશાનું કમબેક થોડા સમય માટે અટકે તેવી સંભાવના છે.
સીરિયલમાં સુંદરમામાનું પાત્ર ભજવી રહેલા મયુર વાકાણીએ જણાવ્યું હતું કે, 2017માં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે ફરી વખત દિશા માતા બન્યા છે. આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરતા મયૂરે જણાવ્યું હતું કે, દિશા સ્વાભાવિકપણે શોમાં કમબેક કરશે. તેમણે લાંબા સમય સુધી આ શોમાં કામ કર્યું છે અને તેમણે પાછા ફરવું જ જોઈએ. તેઓ ફરીથી ક્યારે શૂટિંગ શરૂ કરશે તેની સહુ રાહ જોઈ રહ્યા છે. શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ જણાવ્યું હતું કે, શોમાં હજુ દયાબેનનું કેરેક્ટર જીવંત છે. 2020-21નો સમય ખૂબ ખરાબ હતો, પરંતુ હવે સમયની સાથે સ્થિતિ બદલાઈ રહી છે. 2022ના વર્ષમાં દયાબેન પરત ફરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.