સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર સૂર્યાની 42મી ફિલ્મનું પ્રોડક્શન 2022ના વર્ષમાં શરૂ થયું હતું. આ ફિલ્મનું નામ ત્યારે જાહેર કરાયું ન હતું, પરંતુ હવે મેકર્સે તેનું નામ નક્કી કરી દીધું છે અને કહાની પણ જાહેર કરી છે. આ ફિલ્મમાં સૂર્યાની સાથે દિશા પટાણી મુખ્ય ભૂમિકામાં છે. સૂર્યાની આ ફિલ્મનું નામ ‘કંગુવા’ રાખવામાં આવ્યું છે. અગ્નિની શક્તિ ધરાવતા વ્યક્તિના પ્રતીક તરીકે આ નામ પસંદ કરાયું છે. કંગુવાનો હીરો અત્યંત શક્તશાળી છે અને તેની પાસે અગ્નિ જેવો શક્તિ પણ છે. શિવાએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને ડાયરેક્શન કર્યું છે. ફિલ્મને 3 Dમાં તૈયાર કરવામાં આવી છે અને તેને 10 ભાષામાં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનું પ્રોડક્શન શરૂ થયું ત્યારથી તેને સૂર્યા 42 તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મના ડાયરેક્ટરે કંગુવા ટાઈટલને સમજાવતા કહ્યું હતું કે, અગ્નિની શક્તિ ધરાવતા વ્યક્તિની તેમાં સ્ટોરી છે. ખૂબ જ બહાદુર, દિલેર, વચનપાલક અને રાજા જેવો રૂઆબ ધરાવતો હીરો આખા દેશને પસંદ આવશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. 50 ટકા શૂટિંગ ગોવા, ચેન્નાઈ તથા દેશના અન્ય સ્થળો પર થયું છે. બાકીનું શૂટિંગ પૂર્ણ કરવા તડામાર તૈયારી ચાલી રહી છે. જોકે, ફિલ્મમાં વીએફએક્સનું કામ બહુ મોટું છે અને તેના કારણે 2024ના વર્ષ પહેલા તેની રિલીઝ થવાનું અઘરું છે.