વિયેતનામના ભારતસ્થિત રાજદૂત ગુયેન થાન્હ હાઇએ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તથા માઇનીંગ એન્ડ સ્ટીલ ક્ષેત્રે સહભાગીતા માટેની તત્પરતા દર્શાવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટે સકારાત્મક પ્રતિસાદ આપતાં કહ્યું કે ગુજરાત-વિયેતનામ વચ્ચે હાલ જે પરસ્પર વેપાર-વણજ નો સહયોગ છે તેને વધુ ગતિપૂર્વક આગળ લઇ જવા રાજ્ય સરકાર ઉત્સુક છે. ઊદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં આ મુલાકાત વિયેતનામના રાજદૂતે ગુજરાતમાંથી કપાસ, સુકી ડુંગળી, સુકુ લસણ તથા સી-ફૂડ ની વિયેતનામમાં નિકાસની વિપૂલ સંભાવનાઓ અંગે પણ વિસ્તૃત વિગતો આપી હતી. બેઠકમાં એ વિષયે પણ ચર્ચા કરવામાં આવી હતી કે પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાત-વિયેતનામ વચ્ચે પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટમાં વધારો થવાથી ગુજરાતના વધુ પ્રવાસીઓ વિયેતનામની મુલાકાતે જતા થયા છે. વિયેતનામના રાજદૂતે ગુજરાત-વિયેતનામ વચ્ચે સિસ્ટર સિટી રિલેશન માટે વિચારની દિશામાં પણ આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં પ્રસ્તાવ કર્યો હતો.