વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના પ્રેસિડન્ટ સૈયદ ઇબ્રાહિમ રાયસીએ સોમવારે પશ્ચિમ એશિયામાં “મુશ્કેલ પરિસ્થિતિ” અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ “આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના નુકસાન” પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રેસિડન્ટ રાયસી સાથેની તેમની ટેલિફોનિક વાતચીતમાં મોદીએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દા પર ભારતના લાંબા સમયથી અને સુસંગત વલણનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંને નેતાઓએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં “મુશ્કેલ પરિસ્થિતિ” અને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
વડાપ્રધાને આતંકવાદી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના જાન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતના લાંબા સમયથી અને સાતત્યપૂર્ણ વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ યુદ્ધને ઉગ્ર બનતું અટકાવવા, માનવતાવાદી સહાય ચાલુ રાખવા તથા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોદી અને રાયસીએ પ્રાદેશિક જોડાણ સુધારવા માટે ઈરાનના ચાબહાર પોર્ટને આપવામાં આવેલ ધ્યાન અને પ્રાથમિકતાનું સ્વાગત કર્યું હતું.