પાકિસ્તાનમાં ચૂંટણી પછી ત્રિશંકુ સંસદની રચના થયા પછી નવી સરકારની બનાવવામાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. નવાઝ શરીફની પાર્ટી અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી વચ્ચે મંત્રણામાં અવરોધ આવ્યો હતો. ગઠબંધન સરકારમાં કોણ વડા પ્રધાન બનશે તે વિખવાદ ઊભો થયો છે.
અગાઉ ગઠબંધન સરકારની રચના કરવાની ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દરખાસ્તને પાવરફુલ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સમર્થન આપ્યું હતું. અસાધારણ વિલંબ અને ગોટાળાના આક્ષેપો વચ્ચે ચૂંટણીપંચે રવિવારે જનરલ એસેમ્બ્લીની કુલ 265માંથી 264 બેઠકોનું સત્તાવાર પરિણામ જાહેર કર્યું હતું. જેલમાં બંધ માજી વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષોને 101 બેઠકો મળી છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને 75 અને બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 54 બેઠકો મળી છે. કરાચી સ્થિત મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P)ને 17 બેઠકો મળી છે અને બાકીની 12 બેઠકો અન્ય નાના પક્ષોએ જીતી હતી.
સરકાર બનાવવા માટે નેશનલ એસેમ્બલીમાં 265 બેઠકોમાંથી 133નું સંખ્યાબળ જરૂરી છે. ટેકનિકલ રીતે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી નવાઝ શરીફની પાર્ટીએ સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ કર્યા છે. શરીફે તેમના નાના ભાઇ શાહબાઝ શરીફને વિવિધ પક્ષો સાથે મંત્રણા કરવાની જવાબદારી સોંપી છે. PML-N નેતાઓએ રવિવારે લાહોરમાં MQM-P નેતાઓ સાથે બેઠક યોજી હતી અને નવી સરકારની રચના માટે સંમતી સધાઈ હતી.
PML-N પ્રમુખ શાહબાઝ શનિવારે રાત્રે PPPના વરિષ્ઠ નેતાઓ આસિફ અલી ઝરદારી અને તેમના પુત્ર બિલાવલ સાથે ભાવિ ગઠબંધન અંગે ચર્ચા કરી હતી. જોકે આસિફ ઝરદારીએ બિલાવલ માટે વડાપ્રધાન પદ અને મુખ્ય મંત્રાલયોની માગણી કરી હતી. નવાઝ શરીફની પાર્ટી વડાપ્રધાનનો હોદ્દો બિલાવલને આપવા માગતી નથી.
સૂત્રોએ દાવો કર્યો હતો કે પીપીપી સાથેની વાટાઘાટો નિષ્ફળ જશે તો પીએમએલ-એન એમક્યુએમ, જેયુઆઈ-એફ અને અપક્ષો સહિત અન્ય નાના પક્ષો સાથે ગઠબંધન સરકાર બનાવશે. આ સ્થિતિમાં પીએમએલ-એન શાહબાઝ શરીફને પીએમ અને મરિયમ શરીફને પંજાબના મુખ્યમંત્રી બનાવશે. શાહબાઝ શરીફ આર્મી સાથે પણ સારા સંબંધો ધરાવે છે.
બીજી તરફ બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના સમર્થન વિના કેન્દ્ર, પંજાબ અથવા બલૂચિસ્તાનમાં કોઈ સરકાર બનાવી શકશે નહીં. ઇમરાનની પાર્ટી PTI નેતા ગોહર ખાને પણ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી સરકાર બનાવશે, પરંતુ વિશ્લેષકો માને છે કે તે શક્ય નથી.