જર્મની અને ફ્રાન્સે તમામ રશિયન નાગરિકોને ટુરિસ્ટ વિઝા પરના પ્રતિબંધની દરખાસ્ત સામે સંયુક્ત ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનના અન્ય સભ્ય દેશો દ્વારા હિમાયત કરાયેલું આ પ્રકારનું પગલું ઉલટાનું નુકશાનકારક રહે તેવી શક્યતા છે.
આ અંગે મંગળવાર અને બુધવારે પ્રાગમાં બ્લોકના વિદેશ પ્રધાનોની એક મીટિંગ થવાની છે અને તેમાં ટુરિસ્ટ વિઝાના મુદ્દે મહત્ત્વની ચર્ચા કરાશે. તેમાં રશિયા સામે વધુ પગલા લેવા અંગે પણ ચર્ચા થઇ હતી. પ્રાગમાં સંરક્ષણ પ્રધાનોની મીટિંગમાં યુક્રેનિયન સૈનિકો માટે સંયુક્ત લશ્કરી તાલીમ અભિયાન અંગે પણ ચર્ચા થઇ હતી.
રોઈટર્સના ધ્યાનમાં આવેલા સંયુક્ત મેમોમાં ફ્રાન્સ અને જર્મનીએ જણાવ્યું હતું કે, ‘અમે રશિયા અંગેની આપણી વિઝા નીતિ પર દૂરગામી પ્રતિબંધો સામે સાવચેતી રાખીએ છીએ.’
બ્લોકના બે અગ્રણી દેશોએ સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને વિઝા અરજીઓની ઝીણવટભરી તપાસ માટે હિમાયત કરી છે, પરંતુ તેઓ માને છે કે હજુ પણ વિઝા ઇસ્યુ કરવા જોઈએ.
‘આપણે રશિયન સમાજ સાથે લોકશાહી તરફી લોકોને સમર્થન તો ચાલુ જ રાખવું જોઈએ. આપણી વિઝા નીતિઓમાં તે પ્રતિબિંબિત થવું જોઈએ અને રશિયન સરકાર સાથે જોડાયેલા ન હોય તેવા રશિયન નાગરિકો સાથે યુરોપિયન યુનિયનમાં લોકો વચ્ચેના સંપર્કોને મંજૂરી આપવાનું જાળવી રાખવું જોઈએ.’