લેબર પાર્ટીના સ્ટોકપોર્ટના બ્રિટિશ ભારતીય સાંસદ નવેન્દુ મિશ્રાએ તા. 20ના રોજ યુકેની સંસદમાં ચર્ચા દરમિયાન નોર્થ ઇંગ્લેન્ડમાં આવેલા બ્રિટનના ત્રીજા સૌથી મોટા એરપોર્ટ માન્ચેસ્ટરથી ભારતના મુખ્ય શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવા હાકલ કરી હતી.
નવેન્દુ મિશ્રાએ હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે ‘’ખાસ કરીને ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટો થઇ રહી છે ત્યારે મુસાફરોને નોર્થ ઇંગ્લેન્ડ અને ભારતીય શહેરો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી મળે તે મહત્વપૂર્ણ છે. આવી સીધા હવાઈ જોડાણો એ સુનિશ્ચિત કરશે કે કોઈપણ FTA ના લાભો યુકેના તમામ ભાગો દ્વારા પણ અનુભવાય. બંને રાષ્ટ્રો વચ્ચેનો વેપાર, પ્રવાસન અને સાંસ્કૃતિક સંબંધોને વેગ આપશે અને આપણા સમુદાયો માટે નવી તકો ખોલશે. હું બંને દેશો વચ્ચેના વેપાર કરારની સંભાવનાઓને આવકારું છું પરંતુ તે ગ્રેટર માન્ચેસ્ટરમાં સ્ટોકપોર્ટના મારા પોતાના મતવિસ્તાર જેવા સ્થળોને પણ એટલો જ લાભ આપે તે જરૂરી છે. સ્ટૉકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર અને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના અર્થતંત્રને માન્ચેસ્ટર એરપોર્ટ અને ભારતના મુખ્ય શહેરો વચ્ચેની સીધી હવાઈ જોડાણથી ફાયદો થશે. તે બંને રાષ્ટ્રો વચ્ચે વેપાર અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધોને સરળ બનાવશે.”
હાલમાં નોર્થ ઇંગ્લેન્ડના મુસાફરોને ભારત જવા માટે લંડનના હીથ્રો એરપોર્ટ જવું પડે છે.
તેમના લેખિત સંસદીય પ્રશ્નો (WMQs) પર સરકારે જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘’યુકે અને ભારત વચ્ચેનો વેપાર કરાર નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના અર્થતંત્રને £304 મિલિયન સુધી વધારી શકે છે. આ પ્રદેશે 2021માં ભારતમાં £350 મિલિયનથી વધુ માલ-સેવાઓની નિકાસ કરી હતી.
ગયા મહિને, વિરોધ પક્ષના નેતા સર કેર સ્ટાર્મરે ભારત સાથેના એફટીએ માટે લેબર પાર્ટીની પ્રતિબદ્ધતાનો સંકેત આપતાં જણાવ્યું હતું કે “FTA બ્રિટનમાં નવી નોકરીઓને પ્રોત્સાહન આપવા અને નવી નોકરીઓનું સર્જન કરવાની નવી તકો લાવી શકે છે.’’