રશિયા-યુક્રેન યુદ્ધથી ગુજરાતના હીરા ઉદ્યોગના લાખ્ખો કારીગરોની આજીવિકા સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને પ્રોસેસિંગ અને પોલિશિંગ માટે રશિયાથી સ્મોલ સાઇઝ રફ ડાયમંડની આયાત કરતાં સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી અને જુનાગઢમાં ઘણા ડાયમંડ યુનિટના કારીગરો રોજગારી ગુમાવી રહ્યાં છે, એમ આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે રાજ્યનો હીરા ઉદ્યોગ આશરે 15 લાખ કારીગરોને રોજગારી આપે છે. રશિયાથી સ્મોલ સાઇઝ રફ ડાયમંડના સપ્લાયની અછતને કારણે ગુજરાતના બિઝનેસમેનોએ આફ્રિકાના દેશો અને બીજા દેશોમાંથી કાચા માલની ખરીદી કરવી પડે છે. તેનાથી નફાને 25 ટકા સુધી અસર થઈ છે. આ સ્થિતિમાં ડાયમંડ યુનિટોએ તેમના કારીગરો માટેના કામના કલાકોમાં ઘટાડો કર્યો છે, જેનાથી કારીગરોની આજીવિકાને અસર થઈ છે.
મોટા કદના ડાયમંડનું પ્રોસેસિંગ અને પોલિશિંગ ખાસ કરીને સુરત શહેરમાં થાય છે. ભારતમાંથી આશરે 70 ટકા કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે. અમેરિકાએ રશિયાની કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યા છે. અમેરિકાની ઘણી મોટી કંપનીઓએ ઇ-મેઇલ કરીને માહિતી આપી છે કે તે રશિયામાંથી ઉદભવેલી વસ્તુઓની ખરીદી કરશે નહીં.
તેનાથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમેલી અને જુનાગઢમાં હીરો ઉદ્યોગોના કારીગરોની આજીવિકા સામે સવાલ ઊભા થયા છે. નાવડિયાએ જણાવ્યું હતું કે અમે રશિયામાંથી આશરે 27 ટકા રફ ડાયમંડની આયાત કરીએ છીએ, પરંતુ યુદ્ધને કારણે પૂરતા પ્રમાણમાં સપ્લાય ગુજરાતના પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચતો નથી. ગુજરાતમાં ડાયમંડ પ્રોસેસિંગમાં જોડાયેલા કુલમાંથી આશરે 50 ટકા કારીગરો સ્મોલ સાઇઝ ડાયમંડ પર કામ કરે છે. યુદ્ધ પહેલા ગુજરાતમાંથી આશરે 30 ટકા રફ ડાયમંડની આયાત રશિયાની ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પાસેથી થતી હતી. ગુજરાતમાં પ્રોસેસ થયેલા કુલ કટ અને પોશિલ્ડ ડાયમંડમાંથી 60 ટકા ડાયમંડ રશિયામાંથી આવે છે. કેટલાંક ડાયમંડ યુનિટોએ કારીગરો માટેના કામના કલાકોમાં 5થી 10 ટકાનો ઘટાડો કર્યો છે.