અમેરિકાના સત્તાવાળાએ ગુજરાતના ડીંગુચા માનવ તસ્કરી કેસના કથિત મુખ્ય આરોપી હર્ષકુમાર પટેલ ઉર્ફે “ડર્ટી હેરી”ની શિકાગો એરપોર્ટથી પરથી ધરપકડ કરી હતી. જાન્યુઆરી 2022માં કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ડિંગુચા પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મોત થયા હતાં. જગદીશ પટેલ (39), તેમની પત્ની વૈશાલી (37), અને તેમના બે બાળકો – વિહાંગી (11) અને ધાર્મિક (3) ગાંધીનગર નજીકના ડીંગુચાના રહેવાસી હતા. આ ઘટનાએ કેનેડા અને યુએસમાં ગુજરાતી સમુદાયને હચમચાવી નાખ્યો હતો
કેનેડિયન બ્રોડકાસ્ટ કોર્પોરેશન (સીબીસી) ન્યૂઝના ફિફ્થ એસ્ટેટ સેગમેન્ટના અહેવાલો અનુસાર, હર્ષ પટેલને શિકાગોના ઓ’હેર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેના પર માનવ તસ્કરી અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોને લાવવાના ષડયંત્રના ફોજદારી ગુનાના આરોપ મૂકવામાં આવ્યો છે. હર્ષ પટેલના કેસની સુનાવણી 28મી ફેબ્રુઆરીએ થવાની છે. તેને મિનેસોટામાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે.
હર્ષ પટેલની 2018માં કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી ધરપકડ કરી હતી, પરંતુ તેને રિલીઝ કરાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો. કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર હર્ષ પટેલે ઈન્ડિયાથી અમેરિકાના સ્ટૂડન્ટ વિઝા મેળવવા ચાર વાર પ્રયાસ કર્યો હતો, પરંતુ ચારેય વાર તેની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ હતી. 2016માં પણ હર્ષ પટેલે કેનેડા પહોંચીને ઓટાવા સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા મેળવવા માટે એપ્લિકેશન કરી હતી, જેમાં તેને એવો દાવો કર્યો હતો કે તે કિંગ્સ્ટનની સેન્ટ લોરેન્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.
હર્ષકુમાર પટેલ સામે સપ્ટેમ્બર 2023માં અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. તેની સામે કોર્ટમાં ગુરુવારે રજૂ કરવામાં આવેલા અનસીલ એફિડેવિટમાં પણ કેટલીક નવી વિગતો જાહેર કરવામાં આવી હતી, જેમાં હર્ષ અને સ્ટીવ વચ્ચે મેસેજથી થયેલી વાતચીતના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.