પાકિસ્તાનમાં દિલીપકુમારના પૂર્વજોની મિલક્તરૂપી એક હવેલી છે. હવે દિલીપકુમારના નજીકના એક સગાએ એવો દાવો કર્યો છે કે, તેમની પાસે હવેલીની ‘પાવર ઓફ અટોર્ની’ છે. તેમણે કહ્યું કે દિલીપકુમાર તેમને આ મિલકત ભેટ આપવા ઇચ્છે છે. દિલીપકુમારના સગા અને સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફુવાદ ઇશાકે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે, પેશાવરમાં તેમની કથિત મિલકતના કાનૂની પાવર ઓફ એટર્ની છે. તેમણે કહ્યું કે 98 વર્ષીય દિલીપકુમારે વર્ષ 2012માં પાવર ઓફ એટર્ની કરાવી હતી.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલી આ હવેલીને તેના માલિકે સરકાર દ્વારા નક્કી કરેલા ભાવે વેચવાની ના કહી હતી અને કહ્યું હતું કે તેઓ આ પ્રોપર્ટી માટે 25 કરોડની માંગ કરશે કારણ કે સરકારે તેના ખૂબ જ નીચા ભાવ ગણ્યા છે. સ્થાનિક સરકારે પેશાવરમાં 101 ચો.મી. જમીનમાં ચાર માળની આ હવેલીની કિંમત રૂ. 80.56 લાખ ગણી હતી.
જોકે, ઘરના માલિક, હાજી લાલ મુહમ્મદે કહ્યું કે જ્યારે પેશાવર વહીવટીતંત્ર દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ રૂ. 25 કરોડની માગણી કરી હતી.
મુહમ્મદે કહ્યું કે, વર્ષ 2005માં તેમણે બધી કાર્યવાહી કરીને હવેલી રૂ. 51 લાખમાં ખરીદી હતી અને તેમની પાસે ઘરના બધા દસ્તાવેજ છે. તેમણે કહ્યું કે સરકારે 16 વર્ષ પછી હવેલીની કિંમત માત્ર રૂ. 80.56 લાખ નક્કી કર્યા છે તે યોગ્ય નથી.
મુહમ્મદે કહ્યું કે હવેલી ખૂબ જ મોંઘી છે અને ત્યાં દરેક માળનો ભાવ પાંચ કરોડ છે, આથી તેઓ સરકાર પાસેથી રૂ. 25 કરોડ ઇચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ફક્ત રૂ. ચાર લાખમાં ચાર માળ હવેલી કેવી રીતે વેચી શકાય છે?’