નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)ના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જો જરૂર પડશે તો 50 લાખ મુસ્લિમ ઘૂષણખોરોની ઓળખ કરીને તેમને દેશમાંથી બહાર ધકેલી દઈશું.
બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં રવિવારે એક રેલી દરમિયાન ઘોષે મુખ્યમંત્રી મમતા બેનરજી પર પણ નિશાન તાક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પહેલા તો મુસ્લિમ ઘૂષણખોરોની ઓળખ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવશે. જેને કારણે અમને ચૂંટણીમાં 200 બેઠકો મળશે અને મમતા બેનરજીને 50 બેઠકો પણ નહીં મળે.
દિલીપ ઘોષે અગાઉ જણાવ્યું હતું કે, દીદીની પોલીસે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોની વિરુદ્ઘ કોઇ કાર્યવાહી કરી નથી કેમકે તેઓ તેમના વોટર છે. ઉત્તર પ્રદેશ, આસામ અને કર્ણાટકમાં આપણી સરકારે આવા લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. તમે અહિંયા આવો છો, અમારું જ ખાવો છે, અહિંયા રહો છે અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડો છે. અમે તેમને લાકડીઓથી મારીશું, ગોળી મારી દઇશું અને તમને જેલમાં નાંખી દઇશું.