રોબિન્સવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા નિર્મિત ભવ્યાતિભવ્ય અક્ષરધામના લોકાર્પણ નિમિત્તે આયોજિત નવી દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ ધાર્મિક અને વિવિધ દેશોના મહાનુભાવોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 6 ઓક્ટોબરના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રત્યેની વિરલ ભક્તિનું દર્શન, તેઓના BAPS સ્વામિનારાયણ અક્ષરધામરૂપી સંકલ્પ અને સર્જન દ્વારા થઈ રહ્યું છે, તેની ઝાંખી કરાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
BAPSના અનેક સંતોએ તેમના આધ્યાત્મિક જીવન પર પ્રમુખસ્વામી મહારાજના ઊંડા પ્રભાવની સ્વાનુભૂતિઓ રજૂ કરી હતી. પ્રમુખસ્વામી મહારાજનું જીવન એ વાતની ગવાહી પૂરે છે કે નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ અસંખ્ય લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે.

BAPS ના પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીએ તેમના સંબોધનમાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજને ‘માસ્ટર બિલ્ડર’ તરીકે સન્માનવામાં આવ્યા, તે એટલા માટે નહીં કે તેમના હસ્તે આ મંદિરોના ઉદ્ઘાટન થયા, પરંતુ એટલા માટે કે તેઓ પ્રત્યેક મંદિરની શરૂઆતથી લઈને, તેના સમગ્ર સર્જનમાં છેક અંત સુધી સંકળાયેલા રહેતા. જે-તે સમુદાયોની જરૂરિયાત અનુસાર મંદિરોના નિર્માણની સાથે-સાથે તેઓએ આ મંદિરોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરતાં અસંખ્ય લોકોના જીવનઘડતરમાં સક્રિય રસ લીધો.”

અનેક સંતોએ આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના અગાધ સ્નેહ, નમ્રતા, નિસ્વાર્થ સેવા જેવા અનેક દિવ્ય ગુણોનું સ્મરણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના અનેક કલ્યાણકારી અને પ્રેરણાદાયી ગુણોનું રહસ્ય હતું: પરમાત્મા સાથે નિરંતર અનુસંધાન.

શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ મને પ્રમુખસ્વામી મહારાજની સૌથી વધારે જો કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો તે હતી આધ્યાત્મિક નિયમપાલન પ્રત્યે તેઓની મક્કમતા. તેમણે ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ ન કરી, જે મને સૌથી વધુ સ્પર્શે છે.”

અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને મૂલ્યોના વૈશ્વિક પ્રભાવ, માનવસેવા પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતા અને અક્ષરધામના ભવ્ય વિઝન વિષયક તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

વૉશિંગ્ટન ડીસીમાં બહેરીન કિંગડમની એમ્બેસીના ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ વિશે જણાવ્યું હતું કે, “ આ અક્ષરધામ સુંદર સફેદ કમળની જેમ અહીં ગાર્ડન સ્ટેટ એવા ન્યૂજર્સીમાં ખીલી ઉઠ્યું છે, તે અદભૂત છે! હું બહેરીન તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને હું આપ સૌના આનંદમાં સહભાગી થવાને મારો આનંદ સમજુ છું.”

ઇલિનોઇસના કોંગ્રેસમેન, જોનાથન જેક્સને જણાવ્યું, “અક્ષરધામ શ્રદ્ધાનું મૂર્ત સ્વરૂપ છે. તમારી શ્રદ્ધા અને આ મંદિર શુભ છે, જીવંત છે, સમૃદ્ધ છે.”

ન્યૂજર્સીના કોંગ્રેસમેન જેફ વેન ડ્રુ તરફથી અક્ષરધામ તેમજ મહંત સ્વામી મહારાજ માટે ઘોષણપત્ર રજૂ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, “તમે અહીં જે કાર્ય કર્યું છે તેનું હું સન્માન કરું છું. આ સન્માન માત્ર ન્યૂજર્સી માટે જ નહીં, પરંતુ સમગ્ર અમેરિકા માટે ખૂબ ગૌરવની વાત છે.”

BAPS ના વડા મહંતસ્વામી મહારાજે તેમના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ આજીવન નિરંતર સેવા કરતા રહ્યા અને સૌને સુલભ બનીને માર્ગદર્શન આપતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ સરળ, છતાં ગહન હતો, ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.’ કેટલું સરળ વાક્ય! છતાં એટલું શક્તિશાળી કે તે વિશ્વને બદલી શકે. અક્ષરધામ આપણને નિઃસ્વાર્થપણે બીજાની સેવા કરવાનું અને મદદ કરવાનું શીખવે છે. તે આપણને શીખવે છે-સારા માનવી બનવાનું, ભગવાનના આદર્શ ભક્ત બનવાનું અને અક્ષરધામ જેવું શુદ્ધ હૃદય બનાવવાનું, જ્યાં ભગવાન કાયમ નિવાસ કરી શકે.”
અક્ષરધામ અનુભૂતિ છે- પ્રમુખ સ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિની. તે શાંતિ અને પ્રેરણાનું ધામ છે. વિશ્વભરમાંથી સ્વયંસેવકોએ તેઓના આ સંકલ્પને સાકાર કરવા ભગીરથ પુરુષાર્થ આદરી તેઓને મહાન અંજલિ આપી છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાનો મૂલ્યવારસો અક્ષરધામ દ્વારા ચિરંતન કાળ સુધી જીવંત રહેશે.

LEAVE A REPLY