ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવાર, પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2022-23ના નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. (PTI Photo/Kamal Kishore)

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમના કેન્દ્રીય બજેટમાં ડિજિટલ રૂપી લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનું સંચાલન ભારતીય રિઝર્વ બેન્ક કરશે. ડિજિટલ કરન્સીની રજૂઆતથી કરન્સી મેનેજમેન્ટ સસ્તું બનશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે 2022-23ના નાણાકીય વર્ષથી આરબીઆઇ બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપી લોન્ચ કરશે.

ભારત સરકારે ગયા વર્ષે લોકસભામાં માહિતી આપી હતી કે રિઝર્વ બેન્ક સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના તબક્કાવાર અમલ માટે એક વ્યૂહરચના ઘડી રહી છે. રિઝર્વ બેન્કે ડિજિટલ સ્વરૂપમાં કરન્સીનો સમાવેશ કરવા બેન્ક નોટની વ્યાખ્યાને વ્યાપક બનાવવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ધારામાં સુધારો કરવાની ઓક્ટોબરમાં દરખાસ્ત કરી હતી. ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો હેતુ કેશની જરૂરિયાતમાં ઘટાડો સહિતના લાભ લેવાનો છે. તેનાથી ટ્રાન્ઝેક્શન ખર્ચ અને સેટલમેન્ટના જોખમમાં ઘટાડો થાય છે.