વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ ‘ઈન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષીની’, ‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટલાઈઝીંગ ન્યૂ ઈન્ડિયાઝ ડેકેડ’ની ઈ-બુક જેવી સાત સ્કીમ લોન્ચ કરી હતી.
મોદીએ આ પ્રસંગે ટેકનોલોજીના મહત્વ ભાર મૂકતાં જણાવ્યું હતું કે આજે ડિજિટલ અભિયાનના કારણે લોકોને બર્થ સર્ટિફિકેટ, રાશન, બેંક સેવા વગેરે માટે લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળી છે. ડિજિટલ અભિયાનના કારણે ભ્રષ્ટાચાર પર પણ અંકુશ લાગ્યો છે. ભારતે ડિજિટલ અભિયાનને સમગ્ર વિશ્વની સામે રાખ્યું છે.આજનો કાર્યક્રમ 21મી સદીના ભારતની ઝલક છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી છેલ્લા 8 વર્ષમાં 23 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને કારણે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા છે.વિશ્વમાં 40 ટકા ડિજિટલ ટ્રાન્જેક્શન માત્ર ભારતમાં થાય છે.
તેમણે કહ્યું કે, ‘સ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ હોય અને એનીમેશન હોય, આવા અનેક સેક્ટર જે ફ્યુચર ડિજિટલ ટેકને વિસ્તાર આપવાના છે, તેને ઈનોવેશન માટે ખોલી દેવામાં આવ્યા છે. વિશ્વના 40 ટકા ડિજિટલ ટ્રાન્જેક્શન માત્ર ભારતમાં થાય છે. આ ભારતની તાકાત છે. આજે મોલમાં જે ટ્રાન્જેક્શનની ટેક્નોલોજી છે, તે ટેક્નોલોજી ફુટપાથ પર ધંધો કરતા વ્યક્તિ પાસે છે.’