છેલ્લા કેટલાક સમયથી મોટા અને મોંઘા કલાકારોની ફિલ્મો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. આ સ્થિતિમાં મિલી, ફોનભૂત અને ડબલ એક્સએલ જેવી ફિલ્મોના થીયટર શો રદ્ કરવાની ફરજ પડી છે. દર્શકોના બદલાયેલા મિજાજે અનેક બોલીવૂડને ચિંતામાં મુક્યું છે. આ સંજોગોમાં ફિલ્મને થીયેટરના બદલે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો પ્રયોગ નિર્માતાઓ હવે વિચારી રહ્યા છે. આથી હવે અનુષ્કા શર્માની કમબેક ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ને ઓટીટી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
2017માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન પછી અનુષ્કા શર્માની ફિલ્મ ઝીરો 2018માં રિલીઝ થઈ હતી. શાહરૂખ સાથેની આ ફિલ્મ ફ્લોપ ગયા પછી શાહરૂખની જેમ અનુષ્કાએ પણ લાંબો બ્રેક લીધો હતો. ચાર વર્ષ બાદ અનુષ્કાએ ‘ચકદા એક્સપ્રેસ’થી ફરીથી પદાર્પણ કર્યું છે. ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન આધારિત આ ફિલ્મના શૂટિંગ માટે અનુષ્કા ઘણ સમયથી મહેનત કરી રહી છે. સક્સેસફુલ બોલર ઝૂલન ગોસ્વામીના રોલને સ્ક્રીન પર જીવી જવા માટે અનુષ્કાએ ફિટનેસથી માંડીને બોલિંગ સ્કિલ પણ ડેવલપ કરી છે.
અનુષ્કાના વર્કઆઉટ અને બોલિંગ પ્રેક્ટિસના ફોટોગ્રાફ્સ દ્વારા ફિલ્મ માટે ઉત્સુકતા ઊભી કરવાનો પ્રયાસ થયો હતો. થોડા સમય પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને ઓડિયન્સે પસંદ કર્યું છે. અનુષ્કા પણ અવાર-નવાર ફિલ્મના સેટ પરથી ફોટો-વીડિયો શેર કરતી રહે છે. ફિલ્મમાં ઝૂલન ગોસ્વામીને અનેક પડકારોની વચ્ચે સફળતા મેળવતી દર્શાવાય છે. અનુષ્કાના ફોલોઅર્સની સંખ્યા ખૂબ મોટી છે અને ફિલ્મ પણ ચર્ચામાં રહી છે. આમ છતાં, ફિલ્મના મેકર્સે તેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.